Amit Shah statement on Waqf Amendment Bill: વકફ પરના જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ) નો રિપોર્ટ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો, જેના પગલે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. વકફ સુધારા બિલ પરના આ રિપોર્ટને લઈને વિપક્ષી સાંસદોએ તેને ફરીથી જેપીસીને મોકલવાની માંગ કરી હતી.
વકફ સુધારા બિલ પરનો જેપીસી રિપોર્ટ આજે, 13 ફેબ્રુઆરીના રોજ, સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટ રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે 2 વાગ્યે રજૂ થયો હતો. રિપોર્ટની રજૂઆત સમયે જ બંને ગૃહોમાં તીવ્ર વિરોધ અને હોબાળો શરૂ થયો હતો. વિપક્ષી સાંસદોએ આ રિપોર્ટને એકતરફી ગણાવીને નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યસભામાં તો વિપક્ષે આ મુદ્દે ગૃહત્યાગ (વોકઆઉટ) પણ કર્યો હતો, પરંતુ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે એવી એક લાઇન કહી કે જેનાથી વિપક્ષ શાંત થઈ ગયો.
જ્યારે વકફ બિલ પર જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે લોકસભામાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, ત્યારે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો. આ સમયે, ગૃહમંત્રી અમિત શાહ પોતાની બેઠક પરથી ઊભા થયા અને કહ્યું કે, ‘વિપક્ષના કેટલાક સભ્યોએ એવી ફરિયાદ કરી છે કે વકફ બોર્ડ બિલમાં તેમના વિચારોને પૂરતી રીતે ધ્યાનમાં લેવાયા નથી. તેથી, મારી પાર્ટી વતી હું વિનંતી કરું છું કે વિપક્ષ જે કંઈ પણ ઉમેરવા માગતું હોય તે ઉમેરે. મારી પાર્ટીને તેનો કોઈ વાંધો નથી.’ અમિત શાહના આ એક નિવેદન બાદ જ વિપક્ષનો હોબાળો શાંત થઈ ગયો હતો.
વાસ્તવમાં, વિપક્ષનો મુખ્ય વાંધો એ હતો કે તેઓએ આ રિપોર્ટ પર જે અસહમતિની નોંધો રજૂ કરી હતી, તેમાંથી ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ દૂર કરવામાં આવ્યા હતા. આ જ કારણ હતું કે સવારે જ્યારે આ બિલ રાજ્યસભામાં રજૂ થયું, ત્યારે એટલો વિરોધ થયો કે ગૃહની કાર્યવાહીને 15 મિનિટ માટે સ્થગિત કરવી પડી હતી. ગૃહની કાર્યવાહી ફરી શરૂ થયા બાદ પણ રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ આ મુદ્દે જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવ્યો હતો. અંતે, વિપક્ષના તમામ સાંસદોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં પણ જેપીસી રિપોર્ટ રજૂ થયા પછી જ્યારે ભારે હોબાળો થયો, ત્યારે અમિત શાહે વિપક્ષની આ માંગણી સ્વીકારવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે વકફ સંશોધન બિલ ગયા વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષની માંગણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દે જેપીસીની રચના કરાઈ હતી. જેપીસીની બેઠકોમાં પણ વિપક્ષી સાંસદોએ અનેકવાર તેમની વાત સાંભળવામાં ન આવતી હોવાની ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં, જ્યારે જેપીસીનો રિપોર્ટ ગૃહમાં રજૂ થયો, ત્યારે વિપક્ષી દળોએ તેને એકતરફી અને મનસ્વી રિપોર્ટ ગણાવીને તેને ફરીથી જેપીસીને મોકલવાની માંગણી કરી હતી.
આ પણ વાંચો....
દિલ્હી જીત બાદ ભાજપની મુશ્કેલી વધી, હવે બે મુખ્યમંત્રી બનાવવા પડશે!