અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ઉપયોગમાં લઈ શકાય એવું વિમાન ભારત સરકાર ખરીદવાની છે. આ વિમાન હજુ આવ્યું નથી ત્યા મોદીના સત્તાવાર વિમાનના અંદરની કહેવાતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં વિમાનનો અંદરનો લૂક એકદમ લકઝુરીયસ દેખાય છે.


મધ્ય પ્રદેશના કોંગ્રેસના નેતા જીટુ પટવારીએ એક ટ્વિટ કરીને આ તસવીરો મોદીના લકઝુરીયસ પ્લેનની હોવાનો દાવો કર્યો છે. પટવારીએ લખ્યું છે કે, આપણા વડાપ્રધાન ચા વેચનારા તરીકે શરૂઆત કરીને આગળ આવ્યા ત્યારે હવે આપણે તેમને સારી સવલતો આપીશું તો જ એ ભારતને વિશ્વગુરૂ બનાવી શકશે.

જો કે મોદી સરકારે આ ચસવીરો મોદીના વિમાનની હોવાના દાવાના નકારી કાઢ્યો છે. કેન્દ્ર સરકાર વતી પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે, આ તસવીરો બોઈંગ 787ના પ્રાઈવેટ ડ્રીમલાઈનર મોડલની છે અને વડાપ્રધાન મોદીના વિમાનની નથી. આ તસવીરને પીઆઈબીએ ફેક એટલે કે ખોટી ગણાવી છે. ગુગલ પર સર્ચ કરો તો પણ ઘણી વેબસાઈટ પર આ તસવીર બોઈંગ 787ના પ્રાઈવેટ ડ્રીમલાઈનર મોડલની છે એવું દર્શાવાય છે.