COVID-19 vaccine: ફરી એકવાર દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સાવચેતીઓ રાખવામાં આવી રહી છે. આ સાથે કોરોના રસીના બૂસ્ટર ડોઝને ઝડપથી લોકોને અપાઈ જાય તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હવે આ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં રસીના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના દિવસોના અંતરને ઘટાડી શકે છે.
સરકાર બહાર પાડી શકે છે માર્ગદર્શિકાઃ
તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીના ત્રીજા એટલે કે પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપી હતી. પરંતુ તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 9 મહિનાનું અંતર હોવું જોઈએ. એટલે કે, જો તમે જાન્યુઆરી 2022માં બીજો ડોઝ લીધો હોય, તો તમે સપ્ટેમ્બર 2022 માં બૂસ્ટર ડોઝ લઈ શકો છો.
એક્સપર્ટે અંતર ઘટાડવાની માંગ કરી હતીઃ
જો કે કેન્દ્ર સરકાર દ્વારા જાહાર કરવામાં આવેલી આ ગાઈડલાઈનને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા. ઘણા નિષ્ણાતોએ કહ્યું હતું કે, બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવું જોઈએ. તેનાથી કોરોના સંક્રમણમાં લોકોને પણ રાહત મળશે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ પણ આ માંગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 6 મહિનાનું હોવું જોઈએ. આ માટે તેમણે સરકારને દરખાસ્ત પણ આપી હતી. જે બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેના 9 મહિનાના અંતરના બદલે 6 મહિનાનું કરવાની જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચોઃ