Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આજે 6 જૂની અને 9 નવી એમ કુલ 15 મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટેનું મતદાન એકદમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે. આ વખતે શહેરી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 15 મનપાના કુલ 261 વોર્ડની 1044 બેઠકો માટે સરેરાશ 48.62 ટકા મતદાન નોંધાયું છે, જે વર્ષ 2021 ની ગત ચૂંટણીમાં થયેલા 46.08 ટકા કરતા નોંધપાત્ર રીતે વધારે છે. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં વોટિંગમાં થોડો ઘટાડો નોંધાયો છે. જિલ્લા પંચાયતમાં આ વર્ષે સરેરાશ 60.63 ટકા (2021 માં 66.68 ટકા) અને તાલુકા પંચાયતમાં 61.15 ટકા (2021 માં 66.84 ટકા) મતદાન થયું છે.

નવી બનેલી મહાનગરપાલિકાઓની વાત કરીએ તો, વાપી મનપાના મતદારોએ સૌથી વધુ ઉત્સાહ બતાવતા 65.68 ટકા બમ્પર વોટિંગ કર્યું છે. જ્યારે ગાંધીધામ મનપામાં સૌથી ઓછું 39.85 ટકા જ મતદાન થયું છે. જૂની મહાનગરપાલિકાઓમાં સુરતે બાજી મારી છે. સુરતમાં 52.83 ટકા મતદાન થયું છે, જે 2021 ના 47.14 ટકા કરતા ઘણું સારું છે. અમદાવાદમાં પણ 2021 ના 42.51 ટકા સામે આ વર્ષે 45.35 ટકા મતદાન નોંધાયું છે. વડોદરામાં 47.01 ટકા અને ભાવનગરમાં 47.26 ટકા સરેરાશ મતદાન રહ્યું છે. પરંતુ, રાજકોટમાં મતદારોનો નિરુત્સાહ જોવા મળ્યો છે; અહીં સૌથી ઓછું 45.21 ટકા વોટિંગ નોંધાયું છે, જે 2021 ના 50.72 ટકા કરતા પણ ઓછું છે.

Continues below advertisement
Continues below advertisement

મતદાન શાંતિપૂર્ણ રીતે પૂરું થયા બાદ, હવે સૌની નજર પરિણામો પર છે. રિઝલ્ટ આવે તે પહેલા એબીપી અસ્મિતા દ્વારા ગ્રાઉન્ડ પર કામ કરતા અલગ અલગ પત્રકારોનો મત જાણીને એક ખાસ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. પત્રકારોના આ અનુમાન મુજબ, તમામ 15 મનપામાં ભાજપ પોતાનો દબદબો એકતરફી જાળવી રાખશે.

પત્રકારોના અનુમાન મુજબ મોટા શહેરોની સ્થિતિ જોઈએ તો, અમદાવાદની 192 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 153 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 35 અને અન્યના ફાળે 4 બેઠકો જઈ શકે છે. અહીં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલે તેવું લાગતું નથી. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપને 88, આમ આદમી પાર્ટીને 28 અને કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળવાનું અનુમાન છે. વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 62, કોંગ્રેસ 13 અને અન્ય 1 બેઠક જીતી શકે છે. જ્યારે રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપને 57, કોંગ્રેસને 12 અને આમ આદમી પાર્ટીને 3 બેઠકો મળવાની શક્યતા છે. જામનગરમાં 64 બેઠકોમાંથી ભાજપ 45, કોંગ્રેસ 12, આપ 5 અને અન્ય 2 બેઠકો મેળવે તેવો અંદાજ છે. જ્યારે ભાવનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 39 અને કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે.

આ ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની બેઠકો પર નજર કરીએ તો, મોરબીની 52 બેઠકોમાં ભાજપ 35, કોંગ્રેસ 11, આપ 2 અને અન્ય 4 બેઠક જીતી શકે છે. નવસારીમાં ભાજપ 45, કોંગ્રેસ 6 અને આપ 1 બેઠક મેળવે તેવું તારણ છે. વાપીમાં ભાજપને 45, કોંગ્રેસને 6 અને અન્યને 1 બેઠક મળી શકે છે. ગાંધીધામમાં ભાજપ 42, કોંગ્રેસ 9 અને આપ 1 બેઠક પર કબ્જો જમાવી શકે છે.

મહેસાણા અને નડિયાદ બંને મનપામાં 52 52 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 9 બેઠકો મળવાનું સમાન અનુમાન છે. કરમસદ આણંદમાં ભાજપ 39, કોંગ્રેસ 11 અને અન્ય 2 બેઠક મેળવી શકે છે. સુરેન્દ્રનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 46, કોંગ્રેસને 4 અને અન્યને 2 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે પોરબંદર છાયામાં ભાજપ 47, કોંગ્રેસ 2, આપ 2 અને અન્ય 1 બેઠક જીતે તેવો પત્રકારોનો સ્પષ્ટ મત છે.

(નોંધ: આ માત્ર પત્રકારોના તારણ પર આધારિત અનુમાન છે, આખરી પરિણામ મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.)