Haryana Rajya Sabha Election 2022 : હરિયાણા કોંગ્રેસે પોતાના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ (Kuldeep Bishnoi)ને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો છે. હરિયાણામાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પાર્ટીએ તાત્કાલિક અસરથી બિશ્નોઈને પાર્ટીના  હાલના તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ બિશ્નોઈને કોંગ્રેસ વર્કિંગ કમિટીના ખાસ આમંત્રિત સહિત પક્ષની જવાબદારીઓમાંથી તાત્કાલિક અસરથી મુક્ત કર્યા છે.


કોંગ્રેસ વિધાનસભાના સ્પીકરને પણ રજૂઆત કરશે 
સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ હરિયાણા વિધાનસભાના સ્પીકરને પણ બિશ્નોઈનું  વિધાનસભાનું  સભ્યપદ નાબૂદ કરવાની ભલામણ કરી શકે છે. બીજી તરફ હરિયાણાથી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અજય માકનની હાર બાદ બિશ્નોઈએ ટ્વીટ કર્યું હતું કે, “સાપની ફેણને  કચડી નાખવાની આવડત મારામાં છે, સાપના ડરથી જંગલ ન છોડો. ગુડ મોર્નિંગ.”  તેણે ટ્વિટર યુઝરના ટ્વીટને પણ રીટ્વીટ કર્યું, જેમાં લખ્યું હતું કે, “આ યોગ્ય સમયે લેવામાં આવેલ નિર્ણય છે જે વ્યક્તિને અન્યથી અલગ કરે છે.”






બિશ્નોઈના ક્રોસ વોટિંગ ને  કારણે અજય માકનની હાર 
હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ઉમેદવાર અજય માકનને ભાજપના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર રહેલા કાર્તિકેય શર્મા સામે  હારનો સામનો કરવો પડ્યો છે. અજય માકનની હારમાં કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈની મોટી ભૂમિકા હતી. કુલદીપ બિશ્નોઈ દ્વારા કરવામાં આવેલા ક્રોસ વોટિંગના કારણે માકનને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી પંચે કોંગ્રેસનો એક મત રદ કર્યો હતો.


કાર્તિકેય શર્માના સસરા છે કુલદિપ બિશ્નોઈ
કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ મીડિયા બિઝનેસમેન કાર્તિકેય  શર્મા માટે 'ક્રોસ વોટિંગ' કર્યું, જ્યારે અન્ય એક ધારાસભ્યનો મત અમાન્ય જાહેર કરવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ કાર્તિકેય શર્માના સસરા છે, જેની સામે અજય માકનની હાર થઇ છે.  અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માને ભાજપ અને તેના સહયોગી જેજેપીનું સમર્થન હતું.


આ ચૂંટણી પરિણામો કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા માટે પણ એક આંચકો છે, કારણ કે પાર્ટીએ તાજેતરમાં કુમારી શૈલજાને તેના હરિયાણા પ્રદેશ પ્રમુખ તરીકે બદલી અને હુડાના વફાદાર ઉદયભાનની નિમણૂક કરી હતી.  હરિયાણામાં કોંગ્રેસના 31 ધારાસભ્યો છે.