જેએનયુમાં થયેલા મેસ વિવાદ બાદ રાજનીતિક નિવેદનો સતત આવી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વીટ કરીને સોમવારે કહ્યું કે, નફરત, હિંસા અને ભેદભાવ ભારતને કમજોર કરી રહ્યો છે. આ સ્થિતિમાં ન્યાયપ્રિય અને સમાવેશી ભારત માટે આગળ આવવાની જરુર છે. જેઅનયુમાં થયેલી બબાલ અને રામ નવમીના દિવસે દેશમાં કેટલીક જગ્યાએ થયેલી હિંસાની ઘટના અંગે રાહુલ ગાંધીએ આ નિવેદન આપ્યું હતું.


રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, નફરત, હિંસા અને ભેદભાવ આપણા પ્રિય દેશને કમજોર કરી રહ્યા છે. ભાઈચારો, શાંતિ અને સદ્ભાવથી જ પ્રગતિનો માર્ગ મળશે. આવો ન્યાયપ્રિય અને સમાવેશી ભારતને સુરક્ષિત કરવા માટે સાથે ઉભા રહીએ. 






શું હતો વિવાદ?
ગઈકાલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં કાવેરી હોસ્ટેલમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થી સંગઠન અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક ઝઘડો થયો હતો. રામનવમીના દિવસે મેસમાં અપાતા માંસાહારી ભોજન અંગે આ ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા.  


જેએનયુમાં થયેલા આ વિવાદ બાદ યુનિવર્સિટીના રજીસ્ટ્રારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના બાદ યુનિવર્સિટીના કુલપતિ, રેક્ટર અને અધિકારીઓએ હોસ્ટેલની મુલાકાત લીધી હતી. યુનિ.ના કુલપતિએ વિદ્યાર્થીઓને સુચના આપી છે કે કેમ્પસમાં કોઈ પણ પ્રકારની હિંસાને સહન નહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓ શાંતિ અને સદ્ભાવનું વાતાવરણ બનાવી રાખે. જો કોઈ આવા પ્રકારની હિંસા કરતા દેખાશે તો યુનિવર્સિટીના નિયમો અનુસાર તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.