નવી દિલ્હી:  ભારતીય હવામાન વિભાગે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી માટે વધતી ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહાર, ઝારખંડ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા રાજ્યો ગરમી અને આકાશમાંથી વરસી રહેલા અગનવર્ષાથી સળગી રહ્યાં છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગરમી અને હીટ વેવ(Heatwave)ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMD એ ગુરુવારે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. તેની સૌથી વધુ અસર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પર જોવા મળશે. આ ઉપરાંત હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે પૂર્વ અને મધ્ય ભારતમાં 18 મેથી ગરમીનો બીજો તબક્કો શરૂ થશે. દેશના ઘણા રાજ્યોમાં મે મહિનાથી શરુઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે.   


દિલ્હીમાં તાપમાન વધીને 45 ડિગ્રી થશે


ભારતીય હવામાન વિભાગે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને દિલ્હી માટે વધતી ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત, ઝારખંડ  અને ઓરિસ્સા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ કહ્યું છે કે પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં 17 થી 20 મે સુધી અને પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 18 થી 20 મે દરમિયાન તીવ્ર ગરમી પડવાની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે એમ પણ કહ્યું કે રાજધાની દિલ્હીમાં શનિવાર સુધીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.


હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ હતી


અગાઉ, હવામાન વિભાગે મે મહિનામાં દેશના ઉત્તરીય મેદાનો અને મધ્ય ભારતમાં લૂ અને ગરમીના દિવસોની સામાન્ય સંખ્યા કરતાં વધુ થવાની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલમાં પૂર્વ, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન જોવા મળ્યું હતું. જેના કારણે શાળાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં, ઘણી જગ્યાએ એપ્રિલમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ભારે ગરમીના કારણે કેટલાક મૃત્યુ પણ નોંધાયા છે. જેમાં કેરળના બે લોકોનો પણ સમાવેશ થાય છે.