Heatwave Update: એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને દેશમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ દેશવાસીઓ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે. IMDએ વધુમાં જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તેલંગાણા અને અન્ય વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળશે. IMD અનુસાર, કેટલીક જગ્યાએ વરસાદ, તોફાન અને તેજ પવનની પણ આગાહી છે. 28મી અને 30મી એપ્રિલની વચ્ચે ઈશાન ભારતમાં વાવાઝોડું/વીજળી અને ભારે વરસાદની શક્યતા છે.
આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, "આગામી પાંચ દિવસ દરમિયાન, બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિ રહેશે." કેરળ અને માહેમાં 26 થી 28 એપ્રિલની વચ્ચે ગરમીની સ્થિતિ રહેશે. 27 થી 29 એપ્રિલ દરમિયાન કોંકણ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અને 28 થી 30 એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં સમાન સ્થિતિ જોવા મળી શકે છે.
તાપમાનમાં ઘટાડો જોવા મળશે
IMD અનુસાર, દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવી શકે છે અને ગરમીથી રાહતની અપેક્ષા છે. 28 થી 30 એપ્રિલની વચ્ચે પૂર્વોત્તર ભારતમાં તોફાન અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પશ્ચિમ હિમાલય, ઉત્તર-પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં વરસાદની મોસમ શરૂ થઈ શકે છે. જો કે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ શક્યતા છે.
આ રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાશે
આ સિવાય ભારતીય હવામાન વિભાગે કહ્યું કે 26 થી 28 એપ્રિલની વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ આવવાની ચેતવણી પણ આપી છે.
પર્વતો પર વરસાદ અને હિમવર્ષાની ચેતવણી
IMD અનુસાર, 26 થી 29 એપ્રિલની વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મધ્યમ વરસાદ અને હિમવર્ષા સાથે તોફાન અને વીજળી પડવાની પણ શક્યતા છે. આ સિવાય જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં કરા પડવાની સંભાવના છે.