IMD Weather Update: ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એપ્રિલની શરૂઆતમાં જ દેશના ઘણા શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. પાંચ રાજ્યોના 21 શહેરોમાં 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. દેશની રાજધાની દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી આકરી ગરમીની ચેતાવણી આપવામાં આવી છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશા જેવા રાજ્યોના શહેરોમાં ગરમી પોતાનું ભીષણ સ્વરૂપ બતાવશે.
એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ઘણા શહેરોમાં તાપમાનમાં મોટી વધઘટ જોવા મળી હતી, જે ત્રણ ડિગ્રીથી 6.9 ડિગ્રી સુધીની હતી. હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે, ખાસ કરીને દિલ્હીમાં પવનની ગતિમાં ઘટાડો થવાને કારણે આવું થયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, "સવારે સપાટી પરના પવનની ઝડપ 8-10 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આ પછી, પવનની ગતિ ધીમે ધીમે દક્ષિણ-પૂર્વ દિશાથી બપોરે 4-6 કિમી પ્રતિ કલાકની થઈ જશે."
ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાશે
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 6-10 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ આકરી ગરમી પડવાની સંભાવના છે. આ દરમિયાન રાજસ્થાનમાં પણ હિટવેવની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં હિટવેવની સંભાવના છે.
રાજસ્થાનના બાડમેરમાં ગરમીનો નવો રેકોર્ડ બન્યો છે
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "દક્ષિણ-પૂર્વ દિશામાંથી પવનની ઝડપ સાંજ અને રાત્રિ દરમિયાન 8 કિમી પ્રતિ કલાકથી ઓછી થઈ જશે." રાજસ્થાનના બાડમેરમાં ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા છે.રવિવારે (06 એપ્રિલ, 2025) મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. આ સામાન્ય કરતાં 6.8 ડિગ્રી વધુ છે.