Weather:હવામાન વિભાગના (Meteorological Department) અનુમાન વચ્ચે દેશના અનેક રાજ્યો વરસાદ (Rain) વરસી રહ્યો છે.  પહાડી અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આકાશમાંથી આફતની જેમ વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે બંધ થયેલો બદ્રીનાથ હાઈવે 83 કલાક બાદ ખુલ્યો છે. હાઇવે (Highway)બંધ થવાના કારણે સાડા ચાર હજાર જેટલા મુસાફરો વિવિધ સ્થળોએ અટવાયા હતા. બિહારમાં વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં પૂરની સ્થિતિ સતત સુધરી રહી છે, પરંતુ હજુ પણ 12 લાખથી વધુ લોકો પ્રભાવિત છે. આગામી પાંચ દિવસમાં દેશના 23 રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની (heavy rain) સંભાવના છે અને હવામાન વિભાગે રેડ, (red alert) ઓરેન્જ (orange alert)અને યલો એલર્ટ (yellow alert)જારી કર્યું છે.


ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પહાડોમાં તિરાડો પડી રહી છે. મંગળવારે સવારે 7 વાગ્યે જોશીમઠના ચુંગીધર નજીક બદ્રીનાથ હાઇવે પર કાટમાળ આવી ગયો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ની ટીમ કાટમાળ હટાવવામાં વ્યસ્ત હતી જ્યારે તે જ દિવસે સવારે 11 વાગ્યે ફરીથી પહાડનો મોટો હિસ્સો તૂટી ગયો અને રસ્તા પર ભારે ખડકોનો હિસ્સો ફસાઇ ગયો હતો.  બદ્રીનાથ વિધાનસભા પેટાચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા મતદાન પક્ષોની સાથે ચાર ધામ યાત્રા પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ફસાયા હતા.


યુપીના 800 ગામો પૂરથી ઘેરાયેલા છે


નેપાળમાંથી ભારે વરસાદ અને પાણી છોડાયા બાદ હવે યુપીના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે. બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, સીતાપુરના લગભગ 250 ગામો પૂરની ઝપેટમાં છે. લખીમપુર ખેરીના 150, શાહજહાંપુરના 30, બદાઉનના 70, બરેલીના 70 અને પીલીભીતના 222 ગામોની મોટી વસ્તી પૂરગ્રસ્ત છે.  પૂર્વાંચલના બલિયામાં પૂરની સ્થિતિને કારણે કેટલાક ઘરો ધોવાઈ જવાના સમાચાર છે. યુપીના 800થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે.


હિમાચલમાં 10 રસ્તા બંધ, 18 સુધી યલો એલર્ટ


હિમાચલ પ્રદેશમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે. ભૂસ્ખલનને કારણે શિમલામાં ત 10 રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગે 13, 14, 17 અને 18 જુલાઈએ રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. 1-12 જુલાઈની વચ્ચે, રાજ્યમાં 81.8 મીમી વરસાદ નોંધાયો છે, જે આ સમયગાળા દરમિયાન 85.6 મીમીના સામાન્ય કરતાં ચાર ટકા ઓછો છે. શુક્રવારે સૌથી વધુ 12.6 મીમી વરસાદ ધર્મશાળામાં નોંધાયો હતો.


બિહારમાં વિનાશ: એક મહિનામાં 70 લોકોનાં મોત


બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. સૌથી વધુ 6 મોત મધુબની જિલ્લામાં થયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને દરેક મૃતક પરિવારના સભ્યોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. આ મહિનામાં જ વીજળી પડવાથી 70 લોકોએ જીવ ગુમાવ્યા છે.