Weather : 19 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, કેરળમાં 4 જૂને દસ્તક દેશે ચોમાસું, જાણો હવામાન અપડેટ
Weather Update: દેશભરના રાજ્યોમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે 19 રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે.

Weather Update: દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં 19 રાજયોમાં ભારે વરસાદ, આંધી અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આગાહી કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં ચક્રવાતી સિસ્ટમના પ્રભાવને કારણે ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
19 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 જૂને 19 રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ, કેરળ, આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડ માટે વાવાઝોડા અને મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, 62 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. પૂર્વીય રાજ્યોમાં લોકો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યાં વીજળી અને વાવાઝોડાની શક્યતા છે. જેથી આ સમય દરમિયાન સાવચેતી રાખવા અને જરૂર ન હોય તો બહાર ન જવા અપીલ કરાઇ છે.
ચોમાસું ક્યારે પહોંચશે કેરળ
બીજી તરફ દેશભરમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં 4 જૂન સુધી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થઈ શકે છે. છેલ્લા પાંચ દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી હતી, પરંતુ હવે તે ફરી આગળ વધવાનું શરૂ થયું છે.સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં અંદાજે ત્રણ દિવસ મોડું પહોંચવાની શક્યતા છે. ચોમાસાના આગમન બાદ દેશના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચાલુ વર્ષે સામાન્ય કરતાં 8થી 10 ટકા ઓછો વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જોકે આગામી દિવસોમાં ચોમાસાની ગતિ અને હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.





















