Weather Forecast:દેશભરમાં ચોમાસાનો વરસાદ પૂરજોશમાં ચાલી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. મંગળવાર 12 ઓગસ્ટ સવારથી દિલ્હી એનસીઆરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણામાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. 14 અને 15 ઓગસ્ટે તેલંગાણામાં અતિ ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર
ભારતીય હવામાન વિભાગ (IMD) ના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી ડૉ. આર.કે. જેનામણીએ જણાવ્યું હતું કે 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી દિલ્હી NCR માં વરસાદની શક્યતા છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો, દહેરાદૂનના હવામાન કેન્દ્ર અનુસાર, 12 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓ વાદળછાયું વાતાવરણ રહેશે. દિવસભર વરસાદ જોવા મળી શકે છે. હરિદ્વાર, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યુપી, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં હવામાન કેવું રહેશે
હવામાન વિભાગે 13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં, 12થી 17 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં, 12 ઓગસ્ટે ગુજરાત અને 15 ઓગસ્ટે મરાઠવાડામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 12 અને 14 થી 17 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડમાં, 13 અને 14 ઓગસ્ટે પશ્ચિમ યુપીમાં અને ૧૩ અને 14 ઓગસ્ટે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ
હિમાચલ પ્રદેશમાં, હવામાન વિભાગે આજે 12 ઓગસ્ટના રોજ ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા અને કુલ્લુમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કાંગડા, મંડી અને સિરમૌરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ અલર્ટ રહેશે. આ જિલ્લાઓમાં, નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને ઢાળવાળા વિસ્તારોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. 13 અને 14 ઓગસ્ટના રોજ કાંગડા, કુલ્લુ, મંડી અને સિરમૌરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉના, બિલાસપુર, હમીરપુર, ચંબા, શિમલા અને સોલનમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટના રોજ શિમલામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે, જ્યારે 15 ઓગસ્ટના રોજ કુલ્લુ, શિમલા અને સિરમૌરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.