કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી  ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો અને પાયલટ સુરક્ષિત છે.

અકસ્માતમાં હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું છે અને ટક્કરને કારણે હાઇવે પર પાર્ક કરેલા વાહનને પણ નુકસાન થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ બાબતની નોંધ લીધી અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને તેની જાણ કરી.

અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત સમયે હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર હતું અને તમામ મુસાફરો યાત્રાળુઓ હોવાનું કહેવાય છે. લેન્ડિંગ પછી તરત જ બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

ચારધામ યાત્રા શરૂ થયા પછી આ ચોથો હેલિકોપ્ટર અકસ્માત છે. અગાઉ પણ કેદારનાથ હેલિપેડ નજીક હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું છે, જેમાં AIIMSના બે ડૉક્ટરો અને પાયલટનો માંડ માંડ બચાવ થયો હતો. વહીવટીતંત્રે ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. 

ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ 

નોંધનીય છે કે રુદ્રપ્રયાગના બઢાસુ વિસ્તારમાં કેદારનાથ જઈ રહેલા હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે હેલિકોપ્ટરને અચાનક રસ્તા પર ઈમરન્સી લેન્ડીંગ કરવું પડ્યું. તેમાં બેઠેલા ભક્તો કેદારનાથના દર્શન કરવા જઈ રહ્યા હતા. જોકે, કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ પાયલોટે સમજદારી દાખવી અને હેલિકોપ્ટરને હાઇવે પર જ ઉતારી દીધું.

હેલિકોપ્ટરમાં કુલ સાત લોકો હતા 

માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મુસાફરોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ઉડાન ભરતા જ પાયલટને ટેકનિકલ ખામીની જાણ થઈ અને તરત જ લેન્ડિંગ કરવામાં આવ્યું. આ હેલિકોપ્ટરમાં પાયલટ, કો-પાયલટ અને પાંચ ભક્તો સવાર હતા. એવું જાણવા મળ્યું છે કે કો-પાયલટને સામાન્ય ઈજાઓ થઈ છે.

હેલિકોપ્ટર અકસ્માત પહેલા પણ થયો છે 

તમને જણાવી દઈએ કે, મે 2025 માં, કેદારનાથ ધામમાં લેન્ડિંગ કરતી વખતે હેલી એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી. તે હેલી એમ્બ્યુલન્સ ઋષિકેશ એઈમ્સની હતી, જે ઋષિકેશથી કેદારનાથ જઈ રહી હતી. આ પહેલા 8 મેના રોજ પણ ગંગોત્રી ધામ જતું એક હેલિકોપ્ટર ગંગાની નજીક ખામીને કારણે ક્રેશ થયું હતું. તે અકસ્માતમાં 6 લોકોના મોત થયાના અહેવાલ હતા.