Hemant Soren News: હેમંત સોરેન ઝારખંડના નવા મુખ્યમંત્રી બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હેમંત સોરેનની ધરપકડ કર્યા પછી તેમના નજીકના સહયોગી ચંપઈ સોરેનને રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હવે તેમની મુક્તિ બાદ હેમંત સોરેન ઝારખંડના સીએમ બનશે.
હેમંત સોરેનના ઘરેથી નીકળતી વખતે ઈન્ડિયા એલાયન્સના સાથી કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અન્સારીએ કહ્યું કે હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી હશે.
EDએ માર્ચમાં ધરપકડ કરી હતી
હેમંત સોરેનની 31 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલા સોરેન રાજભવન ગયા હતા અને રાજીનામું આપ્યું હતું. હેમંત સોરેનની ધરપકડ બાદ તેમની પત્ની કલ્પના સોરેનનું નામ પણ સીએમની રેસમાં ચર્ચામાં હતું. જો કે તેમના અનુભવને જોતા કલ્પના સોરેનની જગ્યાએ ચંપઇ સોરેનને સીએમ બનાવાયા હતા. ચંપઈ સોરેન 'ઝારખંડ ટાઈગર' તરીકે ઓળખાય છે.
ચંપઇ સોરેન મુખ્યમંત્રી બન્યા હતા.
વાસ્તવમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા હેમંત સોરેનની ધરપકડ પછી તેમના નજીકના સહયોગી ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 28 જૂનના રોજ ઝારખંડ હાઈકોર્ટે હેમંત સોરેનને નિયમિત જામીન આપ્યા હતા ત્યારબાદ તે જ દિવસે જેલમાંથી મુક્ત થઈ ગયા હતા. હવે ફરી એક વખત હેમંત સોરેન ઝારખંડના સીએમ બનશે.
નોંધનીય છે કે 2019ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેને રાજ્યની બે વિધાનસભા બેઠકો દુમકા અને બરહેટ જીતી હતી. આ પછી JMM, કોંગ્રેસ અને RJDના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર દ્વારા તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.