દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન હંગામાની ઘટનાને લઈને યુપીમાં હાઈ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. ધાર્મિક રીતે સંવેદનશીલ સ્થળો અને ધાર્મિક સ્થળોની આસપાસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તમામ જિલ્લાના પોલીસ પ્રશાસનના અધિકારીઓને વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે અયોધ્યામાં 84 કોસી યાત્રા શરૂ થવાની છે. સ્થાનિક પોલીસ પ્રશાસનને યાત્રાને લઈને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.


હનુમાન જયંતિના અવસર પર દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દરમિયાન બે જૂથો  વચ્ચે બોલાચાલી થઈ હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો સાથે છૂટાછવાયા આગ લગાડવાની ઘટનાઓ સામે આવી છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવી રહ્યા છે.


સંવેદનશીલ સ્થળો પર બંદોબસ્ત વધારાયો 
પોલીસનું કહેવું છે કે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કુશલ સિનેમા પાસે સાંજે 5-5:30 વાગ્યે બની હતી. દિલ્હીના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ અને નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ, જ્યાં દિલ્હી રમખાણો થયા હતા ત્યાં  ભારે દળો તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે રમખાણોને લઈને સમગ્ર દિલ્હીમાં એલર્ટ જાહેર કર્યું છે, આ સાથે  સંવેદનશીલ સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. પોલીસે સંવેદનશીલ સ્થળોએ સિવિલ ડિફેન્સની બેઠક પણ બોલાવી છે.






સ્થિતિ  નિયંત્રણમાં છે: દિલ્હી પોલીસ કમિશનર
દિલ્હી પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કહ્યું છે કે સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં છે, અને તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા પર અફવાઓ અને ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપે. તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે ઉત્તર પશ્ચિમ જિલ્લામાં બનેલી ઘટનામાં સ્થિતિ નિયંત્રણમાં છે. જહાંગીરપુરી અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને આ વિસ્તારમાં રહેવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર નજીકથી નજર રાખવા અને પેટ્રોલિંગ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.