હિમાચલ પ્રદેશમાં ચાલુ ચોમાસાની મોસમ દરમિયાન 27 જૂનથી 16 ઓગસ્ટની વચ્ચે વાદળ ફાટવાની અને અચાનક પૂરની 51 ઘટનાઓમાં 31 લોકોના મોત થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.  સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં 27 જૂન અને 16 ઓગસ્ટ વચ્ચે વાદળ ફાટવાની અને અચાનક પૂરની 51 ઘટનાઓમાં 31 લોકોના મોત થયા હતા અને 33 લોકો ગુમ થયા હતા. 


રાજ્યમાં લાહૌલ અને સ્પીતિમાં સૌથી વધુ નુકસાન થયું છે. પૂર અને વાદળ ફાટવા સંબંધિત 22 ઘટનાઓ અહીં નોંધાઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ પછી, કિન્નૌરમાં 11, ઉનામાં છ, કુલ્લુ અને મંડીમાં ત્રણ-ત્રણ, સિરમૌરમાં બે અને ચંબા, હમીરપુર, શિમલા અને સોલન જિલ્લામાં એક-એક ઘટના બની છે.


માહિતી અનુસાર, 121 મકાનોને સંપૂર્ણ અથવા આંશિક નુકસાન થયું છે. રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન 35 ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા હતા. મંડીમાં સૌથી વધુ નવ ભૂસ્ખલન થયા છે.


કિન્નૌર અને શિમલામાં છ-છ ભૂસ્ખલન, લાહૌલ અને સ્પીતિ અને ચંબામાં ચાર-ચાર, સોલનમાં ત્રણ, કુલ્લુમાં બે અને બિલાસપુરમાં એક ભૂસ્ખલન થયું. અન્ય જિલ્લાઓનો ડેટા ઉપલબ્ધ ન હતો.


જો કે, કેટલાક જિલ્લાઓના રહેવાસીઓએ દાવો કર્યો છે કે વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓની સંખ્યા સત્તાવાર ગણતરી કરતા ઘણી વધારે છે. દરમિયાન, રાજ્યના ભાગોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારે 95 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું.


આ સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે કુલ્લુમાં 33, મંડી અને શિમલામાં 23-23, કાંગડામાં 10, ચંબા અને કિન્નૌરમાં બે-બે અને હમીરપુર અને ઉનામાં એક-એક માર્ગ બંધ છે. મળતી માહિતી મુજબ અહીં વીજળી અને પાણી પુરવઠા યોજનાઓ પણ પ્રભાવિત થઈ છે.


1140 કરોડનું નુકસાન 


અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશને અત્યાર સુધીમાં 1,140 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ નુકસાન રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયું છે.જાહેર બાંધકામ વિભાગને રૂ. 502 કરોડનું નુકસાન થયું છે, ત્યારબાદ જલ શક્તિ વિભાગ (રૂ. 469 કરોડ) અને બાગાયત વિભાગ (રૂ. 139 કરોડ) છે. સ્થાનિક હવામાન વિભાગે 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ માટે 'યલો' એલર્ટ જાહેર કર્યું છે.