હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ઉનાના ટાહલીવાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 10-15 મહિલાઓ દાઝી જવાના અહેવાલ છે. અત્યાર સુધીમાં 6 મહિલાઓના મોતની પુષ્ટિ થઈ છે. 10 લોકો ગંભીર રીતે ઘાયલ છે.


સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે રવાના થયા હતા.


પીએમ મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો


PM મોદીએ ઉના જિલ્લામાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું, 'હિમાચલ પ્રદેશના ઉનામાં એક ફેક્ટરીમાં જે અકસ્માત થયો તે દુઃખદ છે. આમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે હું અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.






મૃતકોમાં એક ત્રણ વર્ષની બાળકી પણ સામેલ છે અને વિસ્ફોટ વખતે તે તેની માતા સાથે હતી. પ્રાથમિક માહિતી મુજબ મૃતક મહિલાઓ યુપીની હોવાનું જાણવા મળે છે. જો કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી મૃતકોની ઓળખ કરવાની બાકી છે.






બીજી તરફ ઉત્તરાખંડમાં પણ આજે એક અકસ્માત થયો છે. ત્યાં ચંપાવતમાં એક વાહન ખીણમાં પડી ગયું, જેમાં 14 લોકોના મોત થયા છે. કારમાં કુલ 16 લોકો સવાર હતા. આ લોકો લગ્નના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત સુખીદાંગ રીથા સાહિબ રોડ પાસે થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે રૂ. 50,000ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.