Himachal Pradesh Monsoon: દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યુ છે, આમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં વરસાદે કેર વર્તાવ્યો છે, વરસાદની સાથે સાથે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. રાજ્યમાં અવિરત વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સવારે 7:02 વાગ્યે સમરહિલ ખાતે આવેલા શિવ મંદિરમાં ભૂસ્ખલન થયું હતું. અહીં શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક ભૂસ્ખલન થયું અને મંદિર ધોવાઈ ગયું. મળતી માહિતી મુજબ આ ભૂસ્ખલનની ઝપેટમાં 20થી વધુ શ્રદ્ધાળુઓ આવી ગયા છે. હાલમાં તેઓ તમામને બચાવવાની કામગીરી ચાલી રહી છે.


લાલ કોઠીમાં દબાઇ ગયા કાચા મકાનો - 
આ ઉપરાંત ફાગલી વૉર્ડની લાલ કોઠીમાં ભૂસ્ખલનના કારણે 15 કાચા ઘરો દબાઇ ગયા હતા. અહીં પણ 30 થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા છે. આઈટીબીપીના જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્ય ચલાવી રહ્યા છે. સમગ્ર શહેરમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સતત પડી રહેલા વરસાદે સરકાર અને વહીવટીતંત્રની મુશ્કેલીમાં મુકી દીધા છે.


જનજીવન અસ્તવ્યસ્ત - 
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં રસ્તાઓ બંધ છે. ઘરોમાં ના તો વીજળી છે કે ના પાણી. સતત પડી રહેલા વરસાદને કારણે બચાવ કાર્ય ચલાવવામાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે. જિલ્લા તંત્રએ લોકોને સાવચેત અને એલર્ટ રહેવા અપીલ કરી છે. આ સાથે જો જરૂરી ના હોય તો મુસાફરી ના કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. શિમલા તરફ જતા તમામ રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત શહેરના તમામ રસ્તાઓ પણ બંધ છે. હવામાન કેન્દ્ર શિમલાએ રાજ્યભરના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.






સીએમ સુખવિંદર સિંહ સુખુએ આ દૂર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટમાં સીએમએ કહ્યું- શિમલાથી દુઃખદ સમાચાર આવ્યા છે, જ્યાં ભારે વરસાદને કારણે સમર હિલમાં "શિવ મંદિર" તૂટી ગયુ. અત્યાર સુધીમાં નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર હજુ પણ ફસાયેલા લોકોને બચાવવા માટે કાટમાળ હટાવવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યું છે.