Himalayan Earthquake: ભારતીય માનક બ્યુરો (BIS) એ તાજેતરમાં દેશનો નવો ભૂકંપ જોખમ નકશો (Seismic Zone Map) જાહેર કર્યો છે, જેના તારણો અત્યંત ચિંતાજનક છે. નવા નકશા મુજબ, દેશની 75% વસ્તી હવે ઉચ્ચ જોખમ ધરાવતા ઝોનમાં વસવાટ કરે છે. સૌથી ડરામણી બાબત એ છે કે હિમાલયની પ્લેટો છેલ્લા 200 વર્ષથી ખસી નથી, જેનો અર્થ એ છે કે ત્યાં પ્રચંડ ઊર્જા એકઠી થઈ રહી છે અને ગમે ત્યારે 8 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવી શકે છે. નવા નકશામાં પરંપરાગત ચાર ઝોન ઉપરાંત હવે 'અલ્ટ્રા-હાઈ રિસ્ક' એટલે કે 'ઝોન VI' નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે નવો ભૂકંપ જોખમ નકશો?
BIS દ્વારા જાન્યુઆરી 2025 થી અમલમાં મુકાયેલો આ નકશો 'IS 1893 (Part 1): 2025' કોડનો ભાગ છે. અગાઉનો નકશો 2002 નો હતો, જેમાં 2016 માં સામાન્ય સુધારા થયા હતા. પરંતુ આ નવો નકશો 10 વર્ષના ગહન સંશોધન અને 'PSHA' (Probabilistic Seismic Hazard Assessment) પદ્ધતિ પર આધારિત છે, જે વધુ સચોટ છે. હવેથી તમામ સિવિલ એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સે નવી ઇમારતો, પુલો અને ડેમ બનાવતી વખતે આ નવા નકશાના માપદંડોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
નવા નકશામાં શું બદલાયું? (ઝોન VI ની એન્ટ્રી)
અગાઉ ભારતને 4 ઝોન (II, III, IV, V) માં વહેંચવામાં આવ્યું હતું. નવા નકશામાં સૌથી મોટો ફેરફાર એ છે કે 'ઝોન V' (સૌથી વધુ જોખમ) ને હવે વધુ વિસ્તારવામાં આવ્યો છે અને તેને 'ઝોન VI' અથવા 'અલ્ટ્રા-હાઈ રિસ્ક' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.
જોખમનો વ્યાપ: દેશનો 61% વિસ્તાર હવે મધ્યમથી ઉચ્ચ જોખમવાળા ઝોનમાં આવે છે, જે પહેલા 59% હતો.
વસ્તી પર અસર: દેશની 75% વસ્તી હવે એવા વિસ્તારોમાં રહે છે જ્યાં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે.
હિમાલય પર સૌથી મોટો ખતરો
નવા નકશા મુજબ, કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીના સમગ્ર હિમાલય પટ્ટાને હવે એક જ 'હાઈ-રિસ્ક ઝોન VI' માં મૂકવામાં આવ્યો છે. વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના મતે, આ વિસ્તારમાં ઈન્ડિયન અને યુરેશિયન પ્લેટો 200 વર્ષથી 'લોક' (Lock) થયેલી છે. આનો અર્થ એ છે કે ત્યાં જમીનની નીચે પ્રચંડ દબાણ સર્જાયું છે. જ્યારે આ 'તાળું' તૂટશે ત્યારે વિનાશક ઊર્જા મુક્ત થશે.
દક્ષિણ ભારતની સ્થિતિ
દક્ષિણ ભારત અથવા દ્વીપકલ્પ ભારત (Peninsular India) ભૂસ્તરશાસ્ત્રીય રીતે જૂની અને સ્થિર જમીન પર હોવાથી ત્યાં જોખમ ઓછું છે. તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના મોટાભાગના વિસ્તારો ઝોન II અથવા III માં સુરક્ષિત છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીન પીગળવા (Liquefaction) નું જોખમ રહેલું છે.
ભૂતકાળની ભયાનક હોનારતો
ભારતે ભૂતકાળમાં પણ કુદરતી પ્રકોપ સહન કર્યો છે:
2001 કચ્છ ભૂકંપ: 26 જાન્યુઆરીએ આવેલા 6.9 ની તીવ્રતાના ભૂકંપે ગુજરાતમાં તબાહી મચાવી હતી. જેમાં 17,000 થી વધુ લોકોના મોત થયા હતા.
2004 સુનામી: ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી સુનામીએ આંદામાનના 'ઇન્દિરા પોઇન્ટ'ને ડૂબાડી દીધું હતું અને 1.7 લાખ લોકોનો ભોગ લીધો હતો.
1819 અલ્લાહ બંધ: કચ્છમાં આવેલા 7.8 થી વધુ તીવ્રતાના ભૂકંપે જમીનમાં એટલી ઉથલપાથલ કરી હતી કે 'અલ્લાહ બંધ' નામનો કુદરતી ડેમ બની ગયો હતો.