JAMMU KASHMIR : દેશભરમાં રંગોની સાથે હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો આનંદમાં તરબોળ થઈને આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSF જવાનોએ હોળી રમી હતી. જમ્મુના ગજાનસુ વિસ્તારમાં BSFના જવાનોએ એકબીજાને રંગો લગાવ્યા, ગીતો ગાયા અને જોરદાર ડાન્સ કર્યો. હોળી રમતા જવાનોનો એક વીડિયો સામે આવ્યો છે.


BSFની 73 બટાલિયન (BN)ના જવાનોએ પંજાબના અમૃતસરમાં અજનાલા હેડક્વાર્ટર ખાતે હોળી રમી હતી. આ દરમિયાન BSFના એક અધિકારીએ કહ્યું કે અમે દરેક તહેવાર એક પરિવારની જેમ ઉજવીએ છીએ. આ સાથે જ  રાજસ્થાનના જેસલમેરમાં, બીએસએફના જવાન રંગોની હોળી રમતા ગીતની ધૂન પર જોરદાર નાચતા જોવા મળ્યા હતા.






BSF તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, "ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને તમામ સીમા રક્ષકો વતી તમામ દેશવાસીઓને હોળીની શુભકામનાઓ. બીએસએફ તરફથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ - હમેશા સતર્ક" આવી જ ઘણી વધુ ટ્વિટ પણ કરવામાં આવ્યા છે.


આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોળીના અવસર પર તમામને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, "તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રંગોનો આ તહેવાર, પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક, તમારા જીવનમાં ખુશીના દરેક રંગ લાવે."


 


 બે વર્ષ બાદ ઉજવાઈ રહી છે હોળી 


કોરોનાને કારણે આ વર્ષે સતત બે વર્ષ બાદ હોળી ઉજવવામાં આવી રહી છે. બે વર્ષ બાદ હોળી ઉજ્વવાવાં આવી રહી હોવાથી લોકોએ મન ભરીને હોળી ઉજવી. લોકોએ તેમની સોસાયટીના પ્રાંગણમાં, શેરીઓમાં તો કેટલાક લોકોએ ક્લબમાં જઈ હોળી ઉજવી. ક્લબમાં બે વર્ષ બાદ હોળીનું આયોજન થયું હોવાથી ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં હોળી ઉજવવા દોડી ગયા હતા.  લોકોએ પોતાના સ્વજનો અને મિત્રોને રંગ લગાવી હોળીની ઉજવણી કરી. બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધોએ  પણ આ વર્ષે હોળીની ખુબ મજા માણી કોરોના મહામારીને કારણે વર્ષ 2020 અને 2021 એમ બે વર્ષ હોળીની ઉજવણી બંધ રહી હતી.