કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે અમે 370 નાબૂદ કરવા, કોરોના સામે લડવા, બ્રિટિશ કાયદા બદલવા અને ભારતીય પદ્ધતિના કાયદા લાવવા અને ટ્રિપલ તલાકનો અંત લાવવા માટે પૂર્ણ બહુમતીનો ઉપયોગ કર્યો. આ પછી કોર્ટમાંથી આદેશ મળ્યા બાદ અમારી સરકારે પણ રામ મંદિરના નિર્માણમાં ભૂમિકા ભજવી હતી.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણા ફેલાવીને જનતામાં ભ્રમ ફેલાવવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી SC, ST અને OBC માટે અનામતની સમર્થક છે અને તેના રક્ષણ માટે હંમેશા ભૂમિકા ભજવશે. નરેન્દ્ર મોદીએ પણ આ વાત ઘણી વખત કહી છે. જો કોઈ પાર્ટીએ SC, ST અને OBCના અનામતને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે તે કોંગ્રેસ પાર્ટી છે.
'ધર્મના આધારે અનામત...'
અમિત શાહે વધુમાં કહ્યું કે કોંગ્રેસે સૌપ્રથમ સંયુક્ત આંધ્ર પ્રદેશમાં મુસ્લિમોને અનામત આપ્યું, તેના કારણે ઓબીસીના અનામતમાં ઘટાડો થયો. ત્યારપછી કર્ણાટકમાં કોઈ સર્વે કર્યા વિના તમામ મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા અનામત કરી દેવામાં આવ્યો, તેના કારણે ઓબીસીના અનામતમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. ધર્મના નામે અનામત બંધારણીય નથી, ગેરબંધારણીય છે. જ્યારે પણ અમને આ રાજ્યોમાં સત્તા મળશે ત્યારે અમે ધર્મના આધારે લાદવામાં આવેલી અનામતને ખતમ કરવા અને એસસી, એસટી અને ઓબીસીને ન્યાય આપવા માટે કામ કરીશું.
રાહુલ ગાંધી પર આરોપો
કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે તેઓએ મારા અને ભાજપના કેટલાક નેતાઓના નકલી વીડિયો બનાવીને જાહેરમાં ફોરવર્ડ કર્યા છે. સદભાગ્યે મેં જે કહ્યું તેનો રેકોર્ડ હતો અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી તેઓ રાજકારણના સ્તરને નીચે લાવવાનું કામ કરી રહ્યા છે. આની ચરમસીમા એ છે કે લોકસભામાં ચર્ચા ન થવા દેવી, રાજ્યસભામાં તેનો બહિષ્કાર કરવો, ઘોંઘાટ કરવો અને જૂઠું બોલીને લોકોમાં ગેરસમજ ફેલાવવી, તેમના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી આ કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે હું માનું છું કે હવે નકલી વિડીયો ફેલાવીને નકલી જનસમર્થન મેળવવાનો પ્રયાસ નિંદનીય છે અને ભારતીય રાજનીતિમાં કોઈપણ મોટા પક્ષ દ્વારા આવું ક્યારેય કરવામાં આવ્યું નથી.