નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કોરોનાને મ્હાત આપી છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેની જાણકારી ખુદ અમિત શાહે ટ્વિટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કરીને "આજે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ભગવાનનો આભાર માનું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભાકામનાઓ આપી મને અને મારા પરિવારની હિંમત વધારી તે તમામનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું."

વધુમાં તેમણે કહ્યું કે, ડોક્ટર્સની સલાહ અનુસાર હાલ કેટલાક દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેશે. અન્ય એક ટ્વીટ કરીને અમિત શાહે કહ્યું કે, કોરોના સંક્રમણ વિરુદ્ધ લડવામાં મારી મદદ કરનાર અને મારી સારવાર કરનાર મેદાંતા હોસ્પિટલના તમામ ડૉક્ટર્સ તથા પેરામેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું.



ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દેશના ગૃહ મંત્રી અમિત શાહ પણ કોરોનાના ભરડામાં આવી ગયા હતા. અમિત શાહે 2 ઓગસ્ટે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેઓને કોરોનાનાં શરૂઆતનાં લક્ષણો દેખાતાં તેમમે પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં શાહ અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા.