નવી દિલ્હીઃ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ એક તરફ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ કોગ્રેસ પણ સરકારને ઘેરી રહી છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કોગ્રેસ નેતા જયરામ રમેશે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, આ હિંસા પાછળ ગૃહમંત્રી અને એચઆરડી મંત્રી છે.
તેમણે કહ્યું કે, જે બુકાનીધારી લોકોએ કેમ્પસ પર હુમલો કર્યો હતો તેમની તરત જ ધરપકડ કરવી જોઇએ. કોગ્રેસ નેતાએ માંગણી કરી હતી કે યુનિવર્સિટીના વીસીને પણ તરત રાજીનામું આપી દેવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા જયરામ રમેશે કહ્યું કે, PM 2.0 આજે PM 2.5થી વધુ ખતરનાક છે.
નોંધનીય છે કે આજે જ જેએનયુના વિદ્યાર્થીઓ તરફથી દિલ્હીમાં માર્ચ કાઢવામાં આવી હતી. આ માર્ચ વીસીના રાજીનામાની માંગ, હિંસા કરનારાઓ વિરુદ્ધ એક્શનની માંગ સાથે કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે વિદ્યાર્થીઓને માર્ચ માટી મંજૂરી આપી નહોતી અને વિદ્યાર્થીઓને બસમાં બેસાડી મંડી હાઉસ લઇ જવાયા હતા. કેન્દ્ર સરકારની સહમતિથી જમ્મુ કાશ્મીર ગયેલા વિદેશી પ્રતિનિધિમંડળને લઇને કોગ્રેસે કહ્યું કે, અમારા નેતાઓને ત્યાં જવાની મંજૂરી નથી. પોતાના દેશના સાંસદો ત્યાં જઇ શકતા નથી પરંતુ ઇન્ટરનેશનલ ડેલિગેશનને મોકલવામાં આવી રહ્યું છે.