Home Ministry mock drill directive: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન સામે ભારતની સંભવિત કડક કાર્યવાહીના સંકેતો વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs - MHA) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કર્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આગામી ૭ મેના રોજ 'એર રેઇડ સાયરન' (Air Raid Siren) સંબંધિત મોક ડ્રીલ (Mock Drill) યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ (Civil Defence) સુનિશ્ચિત કરવાનો છે.

ગૃહ મંત્રાલયની સૂચનાઓ અને મોક ડ્રીલના પગલાં:

ગૃહ મંત્રાલયે રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાવવા માટે પણ સૂચના આપી છે. નાગરિક સંરક્ષણ વિભાગને એવી તાલીમ આપવા માટે જણાવાયું છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે અને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ શકે.

ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૭ મેના રોજ યોજાનાર આ મોક ડ્રીલમાં નીચે મુજબના પગલાં લેવામાં આવશે:

  • હવાઈ હુમલાની ચેતવણી આપતો સાયરન સક્રિય કરવામાં આવશે.
  • સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને કોઈપણ પ્રકારનો હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે.
  • 'બ્લેકઆઉટ'ની વ્યવસ્થા કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી જોઈએ જેથી દુશ્મન કોઈ લક્ષ્ય જોઈ ન શકે.
  • મહત્વપૂર્ણ ફેક્ટરીઓ અને સંરક્ષણ સ્થળોને છુપાવવા માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવશે.
  • સ્થળાંતર (Evacuation) યોજનાઓને અપડેટ કરવામાં આવશે અને તેનું રિહર્સલ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે આ સૂચનાઓ એવા સમયે આપી છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને ભારત પાકિસ્તાન સામે બદલો લેવાના વિકલ્પો પર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે. આ મોક ડ્રીલ દેશની સુરક્ષા સજ્જતા અને કોઈપણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી દર્શાવે છે.