કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી ધારા- 370 રદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં આપી હતી.


નિત્યાનંદ રાયે ગૃહમાં એક લેખિત જવાબમાં કહ્યું, જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કલમ 370 રદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ ત્યાં મિલકતો ખરીદી છે. નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ મિલકતો જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં છે.


આ પહેલા પ્રોપર્ટી ખરીદવાની પરવાનગી નહોતી


તમને જણાવી દઈએ કે આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ના કારણે અન્ય રાજ્યોના લોકો સંપત્તિ ખરીદી શકતા ન હતા. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370 ની જોગવાઈઓ નાબૂદ કરી દીધી હતી. ધારા 370ની જોગવાઈઓ નાબૂદ કર્યા બાદ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમીન અને મિલકત ખરીદવા માટેના કાયદામાં ફેરફાર કર્યો હતો. આ નવા કાયદાના અમલ બાદ અન્ય રાજ્યોના લોકોને પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદવાની મંજૂરી મળી ગઈ છે.


370 હટાવ્યા બાદ આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો


તો બીજી તરફ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ, રોકાણ માટે વાતાવરણ બનાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના બજેટ અને તેનાથી સંબંધિત અનુદાન માટેની પૂરક માંગણીઓ પર રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતાં સીતારમણે આ વાત કહી. સીતારમણે કહ્યું હતું કે કલમ 370 રદ કર્યા પછી, કેન્દ્રશાસિત પ્રદેશમાં 890 કેન્દ્રીય કાયદા લાગુ કરવામાં આવ્યા હતા. જે લોકોને પહેલા ત્યાં કોઈ અધિકારો ન હતા તેઓ હવે સરકારી નોકરી મેળવી શકશે અને જમીન ખરીદી શકશે. જમ્મુ અને કાશ્મીરમાંથી 250 ભેદભાવપૂર્ણ રાજ્ય કાયદાઓ દૂર કરવામાં આવ્યા છે અને 137 કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે.