Operation Sindoor:"ઓપરેશન સિંદૂર" નામના આ હવાઈ હુમલામાં ત્રણ મુખ્ય પાકિસ્તાની આતંકવાદી જૂથો - જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેતા, ભારતે આજે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓછામાં ઓછા 9 સ્થળોએ આતંકવાદી ઠેકાણાઓ પર મોટા પાયે હુમલો કર્યો. આ હુમલો પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી થયો છે જેમાં 26 લોકો માર્યા ગયા હતા. ભારતીય સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "થોડા સમય પહેલા, ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને માર્ગદર્શન કરવામાં આવતું હતું." "અમારી કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને સીમિત રહી છે. કોઈપણ પાકિસ્તાના આર્મી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતે લક્ષ્યોની પસંદગીમાં અને તેમને કેવી રીતે ત્રાટકવામાં આવ્યા તેમાં ખૂબ જ સંયમ દાખવ્યો છે," નિવેદનમાં જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર, પીઓકેમાં જે 9 સ્થળોએ ભારતે પાકિસ્તાનીના આતંરી અડ્ડા પર હુમલો કર્યો છે તેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. આ એ જગ્યાઓએ આતંકવાદીઓના અડ્ડા હતા. અમે તમને જણાવીએ છીએ કે, આ સ્થળોએ કયા આતંકવાદી સંગઠનો સક્રિય હતા અને ભારતે કયા આતંકવાદી સંગઠનોને નિશાન બનાવ્યા છે.
9 આતંકવાદી ઠેકાણાઓ પર મોટો હુમલો
"ઓપરેશન સિંદૂર" નામના આ હવાઈ હુમલામાં ત્રણ મુખ્ય પાકિસ્તાની આતંકવાદી જૂથો - જૈશ-એ-મોહમ્મદ (JeM), લશ્કર-એ-તૈયબા (LeT) અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું. સૌથી મહત્વપૂર્ણ લક્ષ્યોમાંનું એક બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર સ્થિત હતું. આ શહેરને જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશન સેન્ટર માનવામાં આવે છે. 2019 માં પુલવામા હુમલા પછીથી તે ભારતીય એજન્સીઓના રડાર પર હતો. બહાવલપુરમાં સુભાન અલ્લાહ મસ્જિદ, જેને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, તે એ જ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા આતંકવાદી હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જૈશ-એ-મોહમ્મદ (JeM) કેડરોના તાલીમ માટેનું મુખ્ય કેન્દ્ર હતું.
ભારતે સામ્બાની સામે ભારત-પાકિસ્તાન સરહદથી 30 કિલોમીટર દૂર મુરિદકેમાં બીજો મોટો હુમલો કર્યો છે. આ સ્થળ લશ્કર-એ-તૈયબાનું મુખ્ય મથક છે. આ સ્થળ 26/11 ના મુંબઈ હુમલા સાથે સીધું સંબંધિત છે. ભારતીય સેનાએ POKની અંદર પણ હુમલો કર્યો છે. તંગધાર સેક્ટરમાં સવાઈ કેમ્પને મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યો છે. આ સ્થળ લશ્કરનું પણ એક કેન્દ્ર છે, જે સોનમર્ગ (20 ઓક્ટોબર, 2024), ગુલમર્ગ (24 ઓક્ટોબર, 2024) અને પહેલગામમાં તાજેતરના હુમલા સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હુમલાઓ સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, પૂંછ-રાજૌરી પટ્ટામાં નિયંત્રણ રેખાથી 35 કિમી દૂર ગુલપુરને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. ગુપ્તચર માહિતી સૂચવે છે કે એપ્રિલ 2023 માં પૂંછમાં ભારતીય સૈનિકો પર હુમલો અને જૂન 2024 માં હિન્દુ યાત્રાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલામાં તેની ભૂમિકા હતી.