SIR form online guide: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હાલમાં મતદાર યાદીના શુદ્ધિકરણ માટે 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) નામનું વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે હવે આ પ્રક્રિયા માટે તમારે BLO ની રાહ જોવાની કે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. ચૂંટણી પંચે આખી સિસ્ટમ ડિજિટલ કરી દીધી છે. તમે ઘરે બેઠા જ voters.eci.gov.in પોર્ટલ પર જઈને તમારી માહિતી અપડેટ કરી શકો છો. જોકે, આ માટે તમારો મોબાઈલ નંબર વોટર આઈડી (EPIC) સાથે લિંક હોવો અને આધાર e-Sign કરવું ફરજિયાત છે.
ઓનલાઈન સિસ્ટમ: હવે કાગળ વગર કામ થશે
ચૂંટણી પંચે ડેટાની ચોકસાઈ અને પારદર્શિતા વધારવા માટે 'Enumeration Form Online System' શરૂ કરી છે. અગાઉ મતદારોએ ફોર્મ ડાઉનલોડ કરીને ઓફલાઈન જમા કરાવવું પડતું હતું, પરંતુ હવે તે પ્રક્રિયા ભૂતકાળ બની ગઈ છે. તમે ECI ની વેબસાઈટ અથવા ECINET એપ દ્વારા સીધી તમારી વિગતો ભરી શકો છો.
EPIC શું છે? EPIC (Electors Photo Identity Card) એટલે કે તમારો 10 આંકડાનો યુનિક મતદાર ઓળખ નંબર. ઓનલાઈન SIR ફોર્મ ભરવા માટે આ નંબર તમારા મોબાઈલ સાથે લિંક હોવો અત્યંત જરૂરી છે. જો લિંક ન હોય, તો તમે પોર્ટલ પર જ 'ફોર્મ-8' ભરીને મોબાઈલ નંબર તાત્કાલિક અપડેટ કરી શકો છો.
ઓનલાઈન SIR ફોર્મ ભરવાની પ્રક્રિયા (Step-by-Step)
જો તમે જાતે ફોર્મ ભરવા માંગતા હોવ, તો નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરો:
પોર્ટલ પર જાઓ: સૌથી પહેલા તમારા મોબાઈલ કે લેપટોપમાં voters.eci.gov.in વેબસાઈટ ઓપન કરો.
વિકલ્પ પસંદ કરો: હોમપેજ પર 'Fill Enumeration Form' (ગણતરી ફોર્મ ભરો) વિકલ્પ પર ક્લિક કરો.
લોગઈન: તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા EPIC નંબર દાખલ કરો, રાજ્ય પસંદ કરો અને લોગઈન કરો.
વિગતો ચકાસો: તમારી સ્ક્રીન પર તમારી મતદાર યાદીની વિગતો દેખાશે. તેને ધ્યાનપૂર્વક તપાસો.
મોબાઈલ લિંકિંગ (જો બાકી હોય તો): યાદ રાખો, ફોર્મ ભરતા પહેલા મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો ન હોય, તો 'Correction of Entries' માં જઈને Form-8 ભરો અને મોબાઈલ નંબર અપડેટ કરો.
SIR ફોર્મ ભરો: મોબાઈલ લિંક થયા બાદ ફરી લોગઈન કરો અને SIR ફોર્મમાં માંગેલી તમામ માહિતી ભરો.
આધાર e-Sign: છેલ્લે, ફોર્મ સબમિટ કરવા માટે Aadhaar based e-Signature ની જરૂર પડશે. (નોંધ: e-Sign માટે તમારા આધાર કાર્ડ અને વોટર આઈડીમાં નામ એકસમાન હોવું જરૂરી છે).
તમારું ફોર્મ ભરાયું છે કે નહીં? આ રીતે ચેક કરો
ઘણીવાર BLO દ્વારા પણ ફોર્મ ભરવામાં આવતું હોય છે. તમારું ફોર્મ સબમિટ થયું છે કે નહીં તે જાણવા માટે આ સ્ટેપ્સ અનુસરો:
voters.eci.gov.in પર જઈને 'Fill Enumeration Form' પર ક્લિક કરો.
જો તમારું એકાઉન્ટ નથી, તો 'Sign-Up' પર ક્લિક કરી મોબાઈલ નંબર અને કેપ્ચા નાખી રજિસ્ટ્રેશન કરો.
હવે મોબાઈલ નંબર અને OTP દ્વારા 'Login' કરો.
લોગઈન થયા બાદ ફરીથી 'Fill Enumeration Form' પર ક્લિક કરો અને તમારો EPIC Number (વોટર આઈડી નંબર) નાખીને 'Search' કરો.
સ્ટેટસ શું કહે છે?
જો ફોર્મ ભરાઈ ગયું છે: તો સ્ક્રીન પર મેસેજ આવશે - "Your form has already been submitted with mobile number XXXXX" (તમારું ફોર્મ મોબાઈલ નંબર... સાથે જમા થઈ ગયું છે).
જો ફોર્મ બાકી છે: તો તમારી સામે નવું કોરું ફોર્મ ખુલશે, જેનો અર્થ છે કે તમારે પ્રક્રિયા કરવાની બાકી છે.
જો સિસ્ટમમાં કોઈ અજાણ્યો મોબાઈલ નંબર દેખાય અથવા ફોર્મ જમા ન થયું હોય છતાં સબમિટ બતાવે, તો તાત્કાલિક તમારા વિસ્તારના BLO નો સંપર્ક કરવો હિતાવહ છે.