એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે સંરક્ષણ ખરીદી પ્રોજેક્ટ્સમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક સત્તાવાર કાર્યક્રમમાં બોલતા વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે, ઘણી વખત કરાર પર હસ્તાક્ષર કરતી વખતે આપણે જાણીએ છીએ કે તે સિસ્ટમો ક્યારેય આવશે નહીં. સમયમર્યાદા એક મોટો મુદ્દો છે. હું એક પણ પ્રોજેક્ટ વિશે વિચારી શકતો નથી જે સમયસર પૂર્ણ થયો હોય. આપણે એવું વચન કેમ આપવું જોઈએ જે પૂર્ણ ન થઈ શકે.

વાયુસેના પ્રમુખે સંરક્ષણ સિસ્ટમમાં વિલંબના ઘણા કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને સ્વદેશી પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) કાર્યક્રમનો ઉલ્લેખ કરતા વાયુસેના પ્રમુખે કહ્યું હતું કે, તેજસ Mk1A ફાઇટર જેટની ડિલિવરી અટકી ગઈ છે, જે ફેબ્રુઆરી 2021માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર કરવામાં આવ્યો હતો. ઓર્ડર કરાયેલા 83 વિમાનોમાંથી અત્યાર સુધી કોઈ વિમાન ડિલિવરી કરવામાં આવ્યું નથી. ડિલિવરી માર્ચ 2024માં શરૂ થવાની હતી.

વાયુસેના પ્રમુખના જણાવ્યા મુજબ, વિલંબથી તેજસ Mk1A ફાઇટર એરક્રાફ્ટ સહિત ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર અસર પડી છે. ત્રણ વર્ષ પહેલા કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં તે હજુ સુધી ડિલિવરી કરવામાં આવ્યા નથી.

CII વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે, તેજસ MK1 ની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. તેજસ MK2 નો પ્રોટોટાઇપ હજુ સુધી રોલઆઉટ કરવામાં આવ્યો નથી. સ્ટીલ્થ AMCA ફાઇટરનો હજુ સુધી કોઈ પ્રોટોટાઇપ નથી. આ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા.

એર ચીફ માર્શલની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વાયુસેના સરકારની 'આત્મનિર્ભર ભારત' પહેલ હેઠળ ઝડપી સ્વદેશીકરણ અને સ્થાનિક ક્ષમતા પર ભાર મૂકી રહી છે. તેમણે કહ્યું કે, આપણે ફક્ત ભારતમાં ઉત્પાદન વિશે વાત કરી શકતા નથી, આપણે ડિઝાઇનિંગ વિશે પણ વાત કરવી પડશે. આપણને સેના અને ઉદ્યોગ વચ્ચે વિશ્વાસની જરૂર છે. આપણે ઘણી ખુલ્લી ભાવના બતાવવાની જરૂર છે. એકવાર આપણે કોઈ વસ્તુ માટે પ્રતિબદ્ધ થઈ જઈએ, પછી આપણે તેને પૂર્ણ કરવું જોઈએ. વાયુસેના ભારતમાં ઉત્પાદન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

'આપણે હવેથી તૈયાર રહેવું પડશે'

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે વધુમાં કહ્યું કે આપણે હવેથી ભવિષ્ય માટે તૈયાર રહેવું પડશે. 10 વર્ષમાં આપણને ઉદ્યોગમાંથી વધુ ઉત્પાદન મળશે, પરંતુ આજે આપણને જેની જરૂર છે, તે આજે જ જોઈએ છે. આપણે શક્ય તેટલી ઝડપથી આપણું કામ એકસાથે કરવાની જરૂર છે. સેનાઓને સશક્ત બનાવીને યુદ્ધો જીતવામાં આવે છે.

એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહનું આ નિવેદન ઓપરેશન સિંદૂરના થોડા દિવસો પછી આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને 100થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ગુસ્સે થયું અને ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. દરેક હુમલો નિષ્ફળ ગયો હતો. પાકિસ્તાનના નિષ્ફળ પ્રયાસ પછી ભારતે ઉગ્ર સ્વરૂપ અપનાવ્યું. ભારતીય સેનાએ ફરીથી પાકિસ્તાનમાં ઘૂસીને ઘણા એરબેઝ પર હુમલો કરીને નાશ કર્યો હતો

ભારતીય વાયુસેનાના એર માર્શલ ચીફ અમરપ્રીત સિંહે ઓપરેશન સિંદૂરની સફળતા વિશે નિવેદન આપ્યું છે. CII વાર્ષિક વ્યાપાર સમિટ 2025ને સંબોધતા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું હતું કે, "હું ઓપરેશન સિંદૂરને રેકોર્ડ પર રાખવા માંગુ છું. તે એક રાષ્ટ્રીય વિજય છે. હું અહીં હાજર દરેક ભારતીયનો આભાર માનું છું. મને ખાતરી છે કે દરેક ભારતીયે આ વિજયમાં ફાળો આપ્યો છે. જેમ વારંવાર કહેવામાં આવ્યું છે, આ એક એવું ઓપરેશન હતું જે બધી એજન્સીઓ, બધા દળો દ્વારા ખૂબ જ પ્રોફેશનલ રીતે હાથ ધરવામાં આવ્યું હતું. આપણે બધા સાથે આવ્યા અને જ્યારે સત્ય સાથે હોય છે ત્યારે બધું જ પોતાની રીતે જ થઇ જાય છે.