IANS maturity survey 2025: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા પાકિસ્તાન સમર્થિત આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે હાથ ધરેલા 'ઓપરેશન સિંદૂર' અને ત્યારપછીની રાજકીય ગતિવિધિઓ વચ્ચે, IANS મેચ્યોરિટી દ્વારા હાથ ધરાયેલા એક સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ સર્વે અનુસાર, મોટાભાગના ભારતીયો માને છે કે 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતે પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવ્યો છે અને આ કાર્યવાહી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી તેમજ લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે.
'ઓપરેશન સિંદૂર' અને સર્વેની પૃષ્ઠભૂમિ
પહેલગામ હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' અંતર્ગત પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. જોકે, ઓપરેશન બાદ યુદ્ધવિરામની જાહેરાત થતાં સરકારના નિર્ણય પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, પાકિસ્તાને સોશિયલ મીડિયા પર ભારત વિરુદ્ધ પ્રચાર પણ કર્યો હતો. આ તમામ ઘટનાક્રમ વચ્ચે, IANS મેચ્યોરિટીએ ૯ મે થી ૧૫ મે, ૨૦૨૫ દરમિયાન દેશવ્યાપી સર્વે કર્યો, જેમાં ૭,૪૬૩ લોકો (૪,૭૦૨ પુરુષો અને ૨,૭૬૧ મહિલાઓ) ના મંતવ્યો લેવામાં આવ્યા. આ સર્વેમાં ભૂલનું માર્જિન +/- ૩ ટકા રાખવામાં આવ્યું છે.
સર્વેના મુખ્ય તારણો:
- પાકિસ્તાનને પાઠ ભણાવવામાં સફળતા: શું ભારત 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવવામાં સફળ રહ્યું? આ પ્રશ્નના જવાબમાં ૬૬% લોકોએ 'હા' કહ્યું, જ્યારે ૧૮% લોકોએ 'કેટલાક અંશે સફળ' ગણાવ્યું. માત્ર ૯% લોકોએ તેને નિષ્ફળ ગણાવ્યું.
- આતંકવાદ સામે મોદી સરકારની ક્ષમતા: 'ઓપરેશન સિંદૂર' પછી વર્તમાન મોદી સરકાર આતંકવાદ સામે કાર્યવાહી કરવા સક્ષમ છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં, આશ્ચર્યજનક રીતે ૯૨% લોકોએ સંપૂર્ણ સહમતી દર્શાવી કે સરકાર સક્ષમ છે.
- પાકિસ્તાનમાં કાર્યવાહી – મોટી સિદ્ધિ?: શું પાકિસ્તાન જેવા પરમાણુ શક્તિ ધરાવતા દેશમાં ઘૂસીને હુમલો કરવો એ ભારત માટે સદીની સૌથી મોટી સિદ્ધિ છે? આ અંગે ૭૨% લોકોએ 'હા'માં જવાબ આપ્યો.
- પાકિસ્તાનના પરમાણુ કવચને ભેદવામાં સફળતા: ૭૮% ઉત્તરદાતાઓનું માનવું છે કે ભારત પાકિસ્તાનના પરમાણુ કવચને ભેદવામાં સંપૂર્ણપણે સફળ રહ્યું છે.
- ભારતની વૈશ્વિક છબી: 'ઓપરેશન સિંદૂર'ને કારણે વિશ્વમાં ભારતની છબી વધુ મજબૂત બની છે કે કેમ, તેવા પ્રશ્નના જવાબમાં ૭૩% લોકોએ 'હા' કહ્યું. ૧૬% માને છે કે તે અમુક હદ સુધી મજબૂત થઈ છે.
- PM મોદીની વૈશ્વિક છબી: ઓપરેશન બાદ PM મોદીની છબી વિશ્વમાં વધુ મજબૂત બની હોવાનું ૬૯% લોકોએ સ્વીકાર્યું. ૨૬% લોકોના મતે છબી પહેલા જેવી જ રહી.
- PM મોદીની લોકપ્રિયતા: આ કાર્યવાહી બાદ PM મોદીની લોકપ્રિયતા વધી હોવાનું ૭૪% લોકોએ જણાવ્યું. ૧૧% લોકોને લોકપ્રિયતા પર કોઈ અસર ન જણાઈ, જ્યારે ૧૦% લોકોએ લોકપ્રિયતામાં ઘટાડો થયો હોવાનું માન્યું.
- વિપક્ષના પ્રશ્નો: 'ઓપરેશન સિંદૂર' પર વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો સાચા છે કે કેમ, તે અંગે ૨૭% લોકોએ 'હા' કહ્યું, જ્યારે ૫૭% લોકો માને છે કે વિપક્ષના પ્રશ્નો ઉઠાવવા યોગ્ય નથી.