India Corona Cases: ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000 થી વધુ કેસ નોંધાયા હતા. એકંદરે, કોરોના પોઝીટીવીટી દર 0.92 ટકા છે. 26 ડિસેમ્બરથી દેશમાં દરરોજ 10,000 કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, મિઝોરમના 6 જિલ્લા, અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો, પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત 8 જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ નોંધવામાં આવી રહ્યો છે. 14 જિલ્લામાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી દર 5-10 ટકાની વચ્ચે છે.


 લવ અગ્રવાલે કહ્યું, ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 961 કેસ છે, જેમાંથી 320 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે કહ્યું કે ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું સરકાર 10 જાન્યુઆરીથી શરૂ થતા પ્રીકોશનરી ડોઝ લેવા માટે એસએમએસ મોકલીને વૃદ્ધોને યાદ અપાશે.


મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે પ્રીકોશનરી ડોઝ


ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે તમામ રસી ભલે તે ભારત, ઈઝરાયેલ, અમેરિકા, યુરોપ, બ્રિટન કે ચીનની હોય. તેમનું કાર્ય મુખ્યત્વે બીમારીને મોડિફાઈ કરવાનું છે. તે ચેપ અટકાવતા નથી. પ્રીકોશનરી ડોઝ મુખ્યત્વે ચેપ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે છે. તેમણે કહ્યું કે, રસીકરણ પહેલા અને પછી માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે અને સામૂહિક મેળાવડા ટાળવા જોઈએ. કોરોના વાયરસના અગાઉના અને હાલમાં ફેલાતા પ્રકારો માટે સમાન છે. હોમ આઇસોલેશન એ એક મહત્વપૂર્ણ સ્તંભ બન્યો છે.






છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 180 નવા કેસ


નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના 180 નવા કેસ નોંધાયા બાદ દેશમાં આ વેરિઅન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. આ એક જ દિવસમાં નોંધાયેલા ઓમિક્રોન કેસની સૌથી વધુ સંખ્યા છે. જેમાંથી 320 લોકો સંક્રમણ મુક્ત થયા છે.


દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 82,402


મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,154 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,48,22,040 થઈ ગઈ છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને 82,402 થઈ ગઈ છે. વધુ 268 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,80,860 થયો છે. દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના રોજના 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ, 11 નવેમ્બરે, 24 કલાકમાં ચેપના 13,091 નવા કેસ નોંધાયા હતા. ડેટા અનુસાર, દેશમાં સતત 63 દિવસ સુધી કોવિડ-19ના દૈનિક કેસ 15 હજારથી ઓછા છે.