નિયમિત રીતે યોજાતી સ્વાસ્થ્ય મંત્રાલય અને આઈસીએમઆરની પત્રકાર પરિષદમાં ડૉ બલરામ ભાર્ગવે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે અહીં કમ્યૂનિટી ટ્રાંસમિશન નથી થયું.
ડૉક્ટર બલરામ ભાર્ગવનું કહેવું છે કે શહેરી વિસ્તારમાં વાયરસનું સંક્રમણ થોડુ વધારે છે. પરંતુ એ નક્કી છે કે લોકડાઉનના જે પગલાઓ ભરવામાં આવ્યા તેનાથી વાયરસનું સંક્રમણને રોકવામાં મદદ મળી અને ઝડપથી તેના ફેલાવા પર રોક લાગી.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ પત્રકાર પરિષદમાં કહ્યું કે આજે દેશનો રિકવરી રેટ 49.21 ટકા છે. હાલમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓથી વધુ છે જે રાહતના સમાચાર કહી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે બે દિવસ પહેલા કહ્યું હતું કે દિલ્હીમાં ક્મ્યૂનિટી ટ્રાંસમિશન થઈ ગયું છે અને જૂલાઈ અંત સુધી અહીં 5.5 લાખ કોરોના વાયરસના કેસનો આંકડો પહોંચી જશે. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ કહ્યું હતું કે દિલ્હીમાં કમ્યૂનિટી સ્પ્રેડ થઈ ગયો છે અને અહીં સતત કોરોના વાયરસના કેસ વધતા જશે.
દેશમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વાયરસથી 357 મોત થયા છે. આ પ્રથમ વખત છે કે દેશમાં એક જ દિવસમાં મોતનો આંકડો 350ને પાર પહોંચ્યો હોય. જ્યારે રેકોર્ડ 9996 નવા કેસ નોંધાયા છે.
ગુરૂવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 86 હજાર 579 લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છેં. જેમાંથી 8102ના મોત થયા છે, જ્યારે 41 હજાર લોકો સ્વસ્થ થયા છે.