પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક કટોકટી વચ્ચે દેશમાં ગેસની અછતને પહોંચી વળવા સરકારે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. નવા આદેશ મુજબ, જે વિસ્તારોમાં પાઇપ નેચરલ ગેસ (PNG) ની લાઈન પહોંચી ગઈ છે, ત્યાંના લોકોએ હવે ફરજિયાત PNG કનેક્શન લેવું પડશે. જો ગ્રાહકો PNG ની સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ કરવાનો ઇનકાર કરશે અને જૂનો સિલિન્ડર જ વાપરવાનો આગ્રહ રાખશે, તો 3 મહિનાની અંદર તેમના ઘરેલુ રસોઈ ગેસ (LPG) નો સપ્લાય કાયમ માટે કાપી નાખવામાં આવશે. સરકારનો મુખ્ય હેતુ માત્ર એક જ પ્રકારના ઈંધણ (સિલિન્ડર) પરની નિર્ભરતા ઘટાડવાનો અને જ્યાં પાઇપલાઇન નથી ત્યાં સરળતાથી સિલિન્ડર પહોંચાડવાનો છે. આ સાથે જ સરકારે દેશમાં પેટ્રોલ-ડીઝલની અછતની ફેલાઈ રહેલી અફવાઓને પણ ફગાવી દીધી છે અને લોકોને ગભરાવાની ના પાડી છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાજેતરમાં 'કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વિતરણ આદેશ ' જારી કર્યો છે. આ નવા નિયમનો સીધો ટાર્ગેટ દેશમાં પાઇપલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપથી વિકસાવવાનો અને લોકોને LPG થી PNG તરફ વાળવાનો છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જો કોઈ ઘર માટે PNG કનેક્શન લેવું ટેકનિકલ રીતે શક્ય હોય અને છતાં તેઓ ન લે, તો 3 મહિના પછી તેમને LPG સિલિન્ડર મળતો બંધ થઈ જશે. પરંતુ, જો તમારા વિસ્તારમાં કે ઘરમાં ટેકનિકલ કારણોસર કે જગ્યાના અભાવે પાઇપલાઇન નાખવી શક્ય જ ન હોય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવા કિસ્સામાં તમને 'નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) આપવામાં આવશે અને તમારો સિલિન્ડરનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

સરકાર આ પગલું એટલા માટે ભરી રહી છે જેથી જે વિસ્તારોમાં પાઇપલાઇન ગેસ પહોંચી ગયો છે, ત્યાંથી ફ્રી થયેલા સિલિન્ડરો એવા ગામડાઓ કે અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડી શકાય જ્યાં હજુ પાઇપલાઇન પહોંચી નથી. આનાથી દેશની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે. તેલ સચિવ નીરજ મિત્તલે આ કડક આદેશ પર ટિપ્પણી કરતા ટ્વિટર (હવે X) પર કહ્યું હતું કે, "આ કટોકટીને એક તકમાં ફેરવી દેવામાં આવી છે." આમ જોવા જઈએ તો PNG વાપરવું ગ્રાહકો માટે પણ ઘણું અનુકૂળ અને સસ્તું છે. તેમાં પાઇપલાઈન દ્વારા સીધો રસોડામાં 24 કલાક ગેસ આવતો રહે છે, જેનાથી વારંવાર સિલિન્ડર બુક કરાવવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળે છે.

લોકોને ઝડપથી PNG કનેક્શન મળી રહે તે માટે સરકારે મંજૂરી પ્રક્રિયા પણ એકદમ ફાસ્ટ-ટ્રેક કરી દીધી છે. નવા નિયમ મુજબ, રહેણાંક વિસ્તારોમાં ગેસ લાઈન નાખવાની પરવાનગી હવે માત્ર 3 કામકાજના દિવસોમાં મળી જશે અને છેલ્લા ઘર સુધીનું કનેક્શન 48 કલાકની અંદર આપી દેવાશે. જો કોઈ સરકારી અધિકારી સમયસર મંજૂરી આપવામાં ઢીલાશ રાખશે, તો તેને અમાન્ય ગણીને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ સાથે સીધો હસ્તક્ષેપ કરવામાં આવશે. એટલું જ નહીં, મંજૂરી મળ્યાના 4 મહિનાની અંદર એજન્સીએ ફરજિયાત પાઇપલાઇન નાખવી પડશે, નહીંતર તેમને દંડ ફટકારવામાં આવશે અને તેમના હકો છીનવાઈ જશે. આ આખા પ્રોજેક્ટ અને આદેશના અમલ પર દેખરેખ રાખવાની જવાબદારી નોડલ એજન્સી તરીકે PNGRB (પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ) ને સોંપવામાં આવી છે.