Vivek Agnihotri The Kashmir Files: વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શીત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોવામાં આયોજિત 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને અશ્લીલ અને પ્રોપેગેન્ડા ફેલાવનારી ફિલ્મ કહેવામાં આવી છે. 20 નવેમ્બરથી ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2022 (IFFI 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતને લઈને વિવાદ સર્જાયો છે. જોકે, સમગ્ર મામલે જ્યૂરીએ હાથ અદ્ધર કરી લીધા છે.
આ ફિલ્મ ફેસ્ટિવલનું 28 નવેમ્બરના રોજ સમાપન થયું હતું જ્યાં ફેસ્ટિવલના મુખ્ય નિર્ણાયક જૂરી રહેલા ઇઝરાયલી ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, અમને આ ફિલ્મ વલ્ગર અને પ્રોપેગેંડા બેઝ્ડ ફિલ્મ લાગી. ધ કાશ્મીર ફાઈલ્સ પર ઈઝરાયેલી ફિલ્મમેકર અને જ્યુરી નાદવ લેપિડ તરફથી કરવામાં આવેલી ટિપ્પણીને જ્યૂરી બોર્ડે પોતાની જાતને અળગી કરતા તેને લેપિડની વ્યક્તિગત ટિપ્પણી ગણાવી છે.
નાદવ લેપિડનું આ નિવેદન બાદ હવે ટ્વિટર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો નદવના આ નિવેદનની આકરી ઝાટકણી કાઢી રહ્યાં છે તો ઘણા લોકો વિવેક અગ્નિહોત્રીની ટીકા કરી રહ્યા છે. એકંદરે ટ્વિટર પર વાતાવરણ બરાઅબરનું ગરમાયું છે.
નાદવ કોણ છે?
નદવના નિવેદનની ટીકા કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, કોણ છે નદવ? તે કાશ્મીર વિશે શું જાણે છે? શું 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની પ્રાસંગિકતા સાબિત કરવા માટે આપણને ઇઝરાયેલની જરૂર છે?
નાદવ લેપિડના આ નિવેદનનો વિરોધ કરતા અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ બતાવે છે કે શા માટે કાશ્મીરી પંડિતોને ક્યારેય ન્યાય મળ્યો નથી અને તેમની સાથે સતત ક્રૂરતા થઈ રહી છે.પોતાની વાત કહેવા બદલ વિવેક અગ્નિહોત્રીનો આભાર. 'ધ કાશ્મીર ફાઇલ્સ' એ બહાદુરીનું કામ છે."
જ્યાં ઘણા યુઝર્સ નાદવ લેપિડેનો વિરોધ કરી રહ્યા છે, તો ઘણા વિવેક અગ્નિહોત્રીને ટોણા મારતા પણ જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે, કાશ્મીરી પંડિતોના આંસુ વેચીને કમાણી કરનાર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીએ સસ્તી અને પ્રોપેગન્ડા જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રિલિઝ થયેલી બોલિવૂડની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે દેશ સહિત દુનિયાભરમાં ભારે ચકચાર મચાવી હતી. કાશ્મીર ફાઈલ્સે બોક્સ ઓફિસ પર સારી એવી ટંકશાળ પણ પાડી હતી. ફિલ્મે ધાર્યા કરતા સારી એવી કમાણી પણ કરી હતી.