નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસની માહિતી આપવા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ સુરતને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું, ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ(IMCT)ની ટીમ સુરતનો પ્રવાસ કરી રહી છે. જ્યાં મોટા પાયે ટેસ્ટિંગ થઈ રહ્યા હોવાનું તેમણે જોયું છે. તેનાથી કોરોનાના દર્દીઓની ઓળખ શરૂઆતના સ્ટેજમાં જ થઈ જાય છે.

મજૂરોને માયા પાયે રોજગારી આપતી ટેક્સટાઈલ અને ડાયમંડ ઈન્સ્ટ્રીઝના વિવિધ હોદ્દેદારો સાથે આઈસીએમટીએ મીટિંગ કરી છે. મોટાભાગના મજૂરોને ગત મહિનાનો પગાર પણ ચૂકવી દેવામાં આવ્યો છે. કેન્દ્રની ટીમ દ્વારા સુરતના સત્તાધીશોને ભવિષ્યનો પ્લાન તૈયાર કરવાનું જણાવાયું હોવાનું તેમણે ઉમેર્યુ હતું.



સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ 29,435 કેસ નોંધાયા છે. જેમાંથી 21,642 એક્ટિવ કેસ છે અને 934 લોકોના મોત થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 23.3 ટકા પહોંચ્યો છે. 17 દિવસથી દેશના 28 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.