Weather Forecast: નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ ઉત્તર ભારતમાં હજુ તીવ્ર ઠંડી શરૂ થઈ નથી. છેલ્લા ઘણા દિવસોથી, દિવસની શરૂઆત દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસથી થઈ રહી છે, જેના કારણે લોકોને વિઝિબિલિટીમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે આજે તામિલનાડુ, કેરળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં રાત્રિ કે સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.


બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ફેંગલ શનિવારે બપોર સુધીમાં પુડુચેરી અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ ચક્રવાતને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની અસરને કારણે ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવનની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે તમિલનાડુ, કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુના બાકીના ભાગો, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમાના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMD અનુસાર, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં રાત્રિ કે સવાર દરમિયાન ગાઢ ધુમ્મસ છવાયેલો રહી શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, કોસ્ટલ, દક્ષિણ કર્ણાટક અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ વીજળીના ચમકારા સાથે વાવાઝોડાની સંભાવના છે.






જોરદાર પવનની શક્યતા 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ તમિલનાડુ, મન્નારનો અખાત, પૂર્વ શ્રીલંકા, ઉત્તર તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા અને પશ્ચિમ-મધ્ય આસપાસના વિસ્તારોમાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. બંગાળની ખાડીની આસપાસ 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આ વિસ્તારોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.



આગામી 3 દિવસમાં કેવું રહેશે હવામાન ?


IMD મુજબ, 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, યાનમ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેલંગાણામાં  ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 30 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં, 1 થી 3 ડિસેમ્બરના રોજ કોસ્ટલ કર્ણાટક અને 2 થી 3 ડિસેમ્બરના રોજ લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 


સમગ્ર સપ્તાહ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 1 ડિસેમ્બરે આંતરિક તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તામિલનાડુ, લક્ષદ્વીપમાં 2 થી 3 ડિસેમ્બરે અને તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 1 ડિસેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. કેરળ અને માહેમાં 30 નવેમ્બર અને 3 ડિસેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે. IMD અનુસાર, 1 થી 2 ડિસેમ્બરના રોજ કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.