DELHI : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારત દ્વારા પાકિસ્તાન પર ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલ અંગે રાજ્યસભામાં આ બાબતે ખુલાસો કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 9 માર્ચે એક 'હાઈસ્પીડ મિસાઈલ ' પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પપ્રવેશી અને તેના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી. આ બાબતે રાજ્યસભામાં માહિતી આપતા રાજનાથ સિંહે કહ્યું, " હું આ ગૃહને 9મી માર્ચ 2022ના રોજ બનેલી ઘટના વિશે જણાવવા માંગુ છું. તે નિરીક્ષણ દરમિયાન આકસ્મિક મિસાઈલ છોડવા સંબંધિત છે. મિસાઈલ યુનિટની નિયમિત જાળવણી અને નિરીક્ષણ દરમિયાન, એક મિસાઈલ આકસ્મિક રીતે લગભગ 7 વાગ્યે છૂટી ગઈ હતી."


ઉચ્ચ સ્તરીય તપાસ માટે સત્તાવાર આદેશ
રાજનાથ  સિંહે વધુમાં કહ્યું કે બાદમાં જાણવા મળ્યું કે મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં પડી હતી. તેમણે આ ઘટનાને "ખેદજનક" ગણાવીને ઉમેર્યું હતું કે રાહતની વાત છે કે કોઈ નુકસાન થયું નથી.રાજનાથ  સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ માટે સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું "હું ગૃહને જણાવવા માંગુ છું કે સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ માટે સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે." 






રાજનાથ સિંહે કહ્યું કે ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણી શકાશે. તેમણે કહ્યું, "હું એ પણ કહેવા માંગુ છું કે આ ઘટનાના સંદર્ભમાં ઓપરેશન, જાળવણી અને નિરીક્ષણ માટેની પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે."


 


સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા
રાજનાથ  સિંહે એમ પણ કહ્યું: "અમે અમારી શસ્ત્ર પ્રણાલીની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ". તેમણે કહ્યું કે જો આ બાબતે કોઈ ખામી જણાશે તો તેને તરત જ સુધારી લેવામાં આવશે.તેમણે  રાજ્યસભામાં કહ્યું, "હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે આપણી  મિસાઈલ સિસ્ટમ અત્યંત વિશ્વસનીય અને સુરક્ષિત છે. આપણી  સુરક્ષા પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ ઉચ્ચ સ્તરીય છે."


9 માર્ચે બની હતી ઘટના 
9 માર્ચે એક 'હાઈસ્પીડ મિસાઈલ ' પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પપ્રવેશી અને તેના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી. અગાઉ શુક્રવારે, ભારત સરકારે કહ્યું હતું કે બે દિવસ પહેલા, એક મિસાઈલ આકસ્મિક રીતે ફાયર કરવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને "ખેદજનક" ઘટના નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ  ખામીને કારણે થઈ હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'ના આદેશ આપ્યા છે. તેના એક દિવસ પહેલા, પાકિસ્તાને કહ્યું હતું કે ભારત તરફથી ફાયર કરવામાં આવેલ "હાઈ-સ્પીડ મિસાઈલ" તેના એરસ્પેસમાં પ્રવેશી પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી.