Jammu and Kashmir: પુલવામામાં આતંકીઓએ ફરી એક નાપાક કૃત્ય કર્યું છે. પુલવામામાં આતંકવાદીઓએ વન વિભાગની ચોકી પર હુમલો કર્યો. જેમાં બે કર્મચારીઓ ઘાયલ થયા. જે પૈકી એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કર્મચારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આતંકીઓની શોધમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ સુરાગ મળ્યો ન હતો.
લાકડાની દાણચોરી રોકવા ચોકી બનાવવામાં આવી હતી
પુલવામાના બડગામ વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓને લાકડાની દાણચોરીની ફરિયાદો મળી રહી હતી. આ અંગે વિભાગ દ્વારા ગામમાં પોસ્ટ બનાવવામાં આવી હતી. આતંકવાદીઓએ મંગળવારે મોડી રાત્રે વન વિભાગની ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચરારે-એ-શરીફના મોહનુના રહેવાસી ઈમરાન યુસુફ અને ચાદુરાના ગોગજીપથરનો રહેવાસી જહાંગીર અહેમદ ઘાયલ થયા હતા. જહાંગીરને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઈમરાનનું શ્રીનગરની SMHS હોસ્પિટલમાં મૃત્યુ થયું
આતંકવાદી હુમલામાં ઈમરાનને જાંઘમાં ગોળી વાગી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈમરાનને શ્રીનગરની SMHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે સાંજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજપોરા પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી કે બડગામ જિલ્લામાં વન વિભાગની ચોકી પર આતંકવાદી હુમલો થયો છે, જેમાં બે કર્મચારીઓ ઘાયલ થયા છે. પુલવામા વિસ્તાર રાજપોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ઘટનાની જાણ થતાં અનેક પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આતંકવાદી હુમલાની માહિતી પર જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમને એકે-47 રાઈફલના બે ખોખા મળ્યા. પોલીસે રાજપોરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પ્રવૃતિ (નિવારણ) અધિનિયમની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.