INS Vikramaditya Fire: ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. બુધવારે કર્ણાટકના કારવાર બંદર પાસે અરબી સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન વિક્રમાદિત્યમાં આ ઘટના બની હતી. સદનસીબે આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર INS વિક્રમાદિત્યમાં સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન આગ લાગી હતી. એરક્રાફ્ટ કેરિયરમાં હાજર ક્રૂ મેમ્બર્સે જહાજમાં હાજર ફાયર ફાઈટિંગ ઈક્વિપમેન્ટની મદદથી કોઈક રીતે આગને કાબૂમા લીધી હતી. નેવીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. નેવીએ આ મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, વિક્રમાદિત્યને તાજેતરમાં કારવાર નેવલ બેઝ પર રિફિટ કરવામાં આવ્યું હતું. રિફિટ કર્યા પછી જ એરક્રાફ્ટ કેરિયરને દરિયામાં સૉર્ટી માટે લઈ જવામાં આવ્યું હતું.
વિક્રમાદિત્ય પર ત્રીજી આગની ઘટના
છેલ્લા ત્રણ વર્ષમાં વિક્રમાદિત્ય પર આગની આ ત્રીજી ઘટના છે. વર્ષ 2019માં લેફ્ટનન્ટ કમાન્ડર રેન્કના અધિકારીનું આગમાં મોત થયું હતું. 2021માં આગની નાની ઘટના પણ નોંધાઈ હતી.
ભારતે વર્ષ 2013માં વિક્રમાદિત્યને રશિયા પાસેથી ખરીદ્યું હતું. રશિયન નૌકાદળમાં તે એડમિરલ ગોર્શોકોવ તરીકે ઓળખાતું હતું. ભારતીય નૌકાદળ પાસે હાલમાં માત્ર એક જ એરક્રાફ્ટ કેરિયર છે. પરંતુ આવતા મહિને સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પણ ભારતીય નૌકાદળના લડાયક કાફલાનો ભાગ બનશે. સોમવારે નેવીના કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની જાહેરાત કરી હતી.