Independence Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધન કર્યું હતું. લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં પીએમ મોદીએ મણિપુર હિંસાથી લઇને મજબૂત સરકાર બનાવવા સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ અગાઉની સરકારો પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે અગાઉની સરકારો દરમિયાન થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને જકડી રહ્યો હતો.






લીકેજ બંધ કરીને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી – પીએમ


પીએમ મોદીએ કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના પ્રયાસનું ફળ મળ્યું છે કે આજે આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અગાઉ દેશને ભ્રષ્ટાચારના રાક્ષસે જકડ્યો હતો, લાખો કરોડના કૌભાંડો દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખતા હતા. અમે લિકેજ બંધ કર્યા અને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી. અમે ગરીબોના કલ્યાણ માટે મહત્તમ નાણાં ખર્ચવાનો પ્રયાસ કર્યો.






પરિવારવાદનો પણ ઉલ્લેખ કર્યો


પીએમ મોદીએ ભ્રષ્ટાચારને લઈને વિપક્ષને ઘેરતા કહ્યું હતું કે આ મોદીના જીવનની પ્રતિબદ્ધતા છે કે હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. બીજું વંશવાદે આપણા દેશને પાયમાલ કરી દીધો હતો. આ વંશવાદે જે રીતે દેશને જકડી રાખ્યો છે, તેણે લોકોના અધિકારો છીનવી લીધા છે. ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. આ તુષ્ટિકરણે દેશની મૂળભૂત વિચારસરણી, આપણા રાષ્ટ્રીય ચારિત્ર્ય પર ડાઘ લગાવ્યો છે. એટલા માટે આપણે આ દુષણો-ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ સાથે આપણી તમામ શક્તિથી લડવું પડશે.


'10 વર્ષમાં મોટું પરિવર્તન આવ્યું'


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ હોય છે ત્યારે તેનાથી માત્ર તિજોરી જ ભરાતી નથી, પરંતુ દેશની તાકાત અને દેશવાસીઓની તાકાતમાં પણ વધારો થાય છે. તમે જોશો કે 10 વર્ષમાં આટલો મોટો બદલાવ આવ્યો છે. 10 વર્ષ પહેલા ભારત સરકાર પાસેથી 30 લાખ કરોડ રૂપિયા રાજ્યોમાં જતા હતા છેલ્લા 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.