Independence Day 2023:ભારત આ વખતે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. તેની ખુશી અને દેશભક્તિ દરેક ભારતીયની આંખોમાં જોઈ શકાય છે. વર્ષોથી અંગ્રેજોના ગુલામ એવા દેશને આઝાદ કરાવવા માટે ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું.


1857ની ક્રાંતિથી લઈને દેશની આઝાદી સુધી ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ બની જેણે બ્રિટિશ શાસનથી ભારતને આઝાદી અપાવી હતી.ચાલો જાણીએ એ ઘટનાઓ વિશે.


1857 ની ક્રાંતિ


1857ની ક્રાંતિને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવામાં આવે છે. અંગ્રેજોએ તેનું નામ 'સિપાહી દંગે' રાખ્યું હતું. અંગ્રેજો સામે દેશવાસીઓને એક કરવાના પ્રયાસના ભાગરૂપે આ ​​ક્રાંતિની શરૂઆત 10 મે 1857ના રોજ મેરઠથી થઇ હતી. જેની અસર ધીરે ધીરે દિલ્હી, આગ્રા, કાનપુર અને લખનઉમાં થઇ હતી.


આ બળવો અસફળ રહ્યો, પરંતુ તે એવી રીતે સફળ પણ રહ્યો કે તેણે દેશવાસીઓને સંપૂર્ણ સ્વતંત્રતા ચળવળ તરફ પ્રેરિત કર્યા. આ ક્રાંતિના પરિણામે દેશમાંથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું નિયંત્રણ ખતમ થઈ ગયું. 1858માં બ્રિટિશ સરકારે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી ભારતનું નિયંત્રણ છીનવી લીધું અને દેશ બ્રિટિશ વસાહત બની ગયો. આ પછી બ્રિટિશ સરકારે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરીને સીધું શાસન કરવાનું શરૂ કર્યું.


1885માં કોંગ્રેસ અસ્તિત્વમાં આવી


19મી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટિશ ભારતમાં અનેક રાજકીય સંગઠનોનો ઉદભવ થયો, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, જેની સ્થાપના 1885માં થઈ હતી. તેને દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કહેવામાં આવે છે. શરૂઆતમાં તેનો હેતુ શિક્ષિત દેશવાસીઓ માટે મોટી રાજકીય ભૂમિકા સુરક્ષિત કરવા માટે ભારતીયો અને બ્રિટિશ રાજ વચ્ચે નાગરિક અને રાજકીય ચર્ચા થઈ શકે તે માટે એક મંચ બનાવવાનો હતો.


બાદમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષે બ્રિટિશ સરકાર સામે મોટા પાયે આંદોલનો યોજવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.


ગાંધી ભારત પાછા ફર્યા, કોંગ્રેસમાં જોડાયા


1915 માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા. 1920માં તેમણે કોંગ્રેસનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. કોંગ્રેસે 26 જાન્યુઆરી 1930ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરી હતી જેને અંગ્રેજોએ માન્યતા આપી ન હતી.


લખનઉ કરાર


1916માં લખનઉ સંધિ થઈ હતી. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થઇ હતી.  આમાં મોહમ્મદ અલી જિન્નાની ભૂમિકા મહત્વની હોવાનું કહેવાય છે, જેઓ તે સમયે કોંગ્રેસની સાથે મુસ્લિમ લીગના સભ્ય હતા. તેમણે બ્રિટિશ સરકાર પર ભારત પ્રત્યે વધુ ઉદાર અભિગમ અપનાવવા અને ભારતીયોને દેશ ચલાવવા માટે વધુ અધિકારો આપવા દબાણ કરવા માટે બે પક્ષો, કોંગ્રેસ અને મુસ્લિમ લીગને સર્વસંમતિમાં લાવવામાં ભૂમિકા ભજવી હતી.


જલિયાવાલા બાગ હત્યાકાંડ


દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ 'જલિયાવાલા બાગ હત્યાકાંડ' 13 એપ્રિલ 1919ના રોજ એક અંગ્રેજ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે મહિલાઓ અને બાળકો સહિત ભીડ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા. આ હત્યાકાંડને કારણે ઉદભવેલા આક્રોશ પછી અંગ્રેજ શાસન સામે અસહયોગ ચળવળ શરૂ કરવામાં આવી હતી.


અસહયોગ ચળવળની અસર


અસહયોગ ચળવળ એ 1920 માં ભારતની સ્વતંત્રતા ચળવળનો એક મહત્વપૂર્ણ તબક્કો હતો. તેમાં સામેલ વિરોધીઓએ બ્રિટિશ સામાન ખરીદવાની ના પાડી અને સ્થાનિક હસ્તકલા વસ્તુઓ અપનાવી. આ ઉપરાંત દારૂની દુકાનો સામે ધરણાં આપવામાં આવ્યા હતા અને લોકોમાં સ્વાભિમાન અને ભારતીય મૂલ્યો જાગૃત કરવામાં આવ્યા હતા.


બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડ્યું


1935માં ભારત સરકારના અધિનિયમ અને નવા બંધારણની રચનાએ આગામી દાયકા અને તે પછીની ઘટનાઓનો પાયો નાખ્યો. પ્રથમ વિશ્વ યુદ્ધની આડ અસરોને દૂર કરીને બ્રિટિશ સંસાધનો ઘટવા લાગ્યા અને 1940 માં બીજા વિશ્વ યુદ્ધમાં જોડાવાના કારણે બ્રિટિશ સામ્રાજ્ય નબળું પડ્યું. આ ઘટનાને ભારતનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વની ગણવામાં આવી હતી.


ભારત છોડો આંદોલન


1942માં 'ભારત છોડો આંદોલન' શરૂ થયું. આ ચળવળ દ્વારા અંગ્રેજોને ભારતમાંથી તત્કાળ પરત ફરવા માટે વિરોધ કરવામાં આવ્યો. ચળવળથી ગુસ્સે થઈને અંગ્રેજોએ કોંગ્રેસના મોટા ભાગના ટોચના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધીના નેતૃત્વમાં રોલેટ સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, ખેડા આંદોલન, મીઠાના સત્યાગ્રહ જેવા ચળવળોએ પણ ભારતીય જનતાને એક કરવાનું કામ કર્યું અને તેમને બ્રિટિશ શાસન સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપી.


ક્રાંતિકારીઓનું મહત્વનું યોગદાન


એક તરફ ગાંધીજીના નેતૃત્વમાં અહિંસક ચળવળો ચાલી રહી હતી અને બીજી તરફ ભારતના ક્રાંતિકારીઓએ અંગ્રેજ શાસનને હંફાવ્યું હતું. ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સૂર્ય સેન, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, બટુકેશ્વર દત્ત, અશફાકઉલ્લા ખાં અને ઉધમ સિંહ જેવા ન જાણે કેટલાય ક્રાંતિકારીઓએ દેશની આઝાદી માટે પોતાના જીવની પરવા કરી ન હતી. પરિણામે, 15 ઓગસ્ટ, 1947 ના રોજ દેશ બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયો હતો.