India-Canada Relations: ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો છે. પહેલા બંને દેશોના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હવે ભારત સરકારે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કેનેડાના વડાપ્રધાને ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.






હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. જો કે, કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલએ તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે  "ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બર 2023 [ગુરુવાર] થી આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.


ભારતીય અધિકારીએ કરી પુષ્ટી


એક ભારતીય અધિકારીએ વિઝા સર્વિસ બંધ કરી હોવાની પુષ્ટી કરી હતી પરંતુ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાષા સ્પષ્ટ છે અને તે જ કહે છે જે તે કહેવા માંગે છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર ભારતે વિઝા સર્વિસ સસ્પેન્ડ કરી છે.


અગાઉ વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં કેનેડા જતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમાં કહેવામાં ભારતના લોકોને સલાહ આપવામાં આવી હતી કે એવા કોઈ વિસ્તારમાં ન જશો જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની હોય અથવા એવી ઘટનાઓ બનવાની સંભાવના હોય. કેનેડામાં હેટ ક્રાઇમમાં વધારો થયો છે અને ત્યાં જતી વખતે સાવચેત રહો.


ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરી હતી


વિદેશ મંત્રાલયે એડવાઇઝરીમાં કહ્યું હતું કે , કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરાયેલા નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં, ધમકીઓએ ખાસ કરીને ભારતીય રાજદ્વારીઓ અને ભારતીયોના વર્ગોને નિશાન બનાવ્યા છે. જે સમુદાય ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે કેનેડામાં આવી ઘટનાઓ જોવા મળે તેવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે.