india honours pope francis: રોમન કેથોલિક ચર્ચના વડા અને પ્રથમ લેટિન અમેરિકન પોપ, પોપ ફ્રાન્સિસનું લાંબી માંદગી બાદ ૮૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ઇસ્ટર મન્ડેના રોજ સવારે વેટિકન સિટીમાં તેમના નિધનની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ આ વર્ષે ડબલ ન્યુમોનિયાથી પીડાતા ૩૮ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ પણ થયા હતા.

પોપ ફ્રાન્સિસના નિધન પર વિશ્વભરના નેતાઓએ અને મહાનુભાવોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ભારતમાં પણ તેમના સન્માનમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે.

ભારતમાં ત્રણ દિવસનો રાજ્ય શોક:

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોપ ફ્રાન્સિસના નિધનના સન્માનના પ્રતિક રૂપે સમગ્ર ભારતમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. રાજ્ય શોક મંગળવાર, ૨૨ એપ્રિલ, ૨૦૨૫ અને બુધવાર, ૨૩ એપ્રિલ, ૨૦૨૫ એમ બે દિવસ માટે રહેશે. આ ઉપરાંત, તેમના અંતિમ સંસ્કારના દિવસે પણ એક દિવસનો રાજ્ય શોક પાળવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, સમગ્ર ભારતમાં જે ઇમારતો પર નિયમિત રૂપે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવે છે, ત્યાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે અને કોઈ સત્તાવાર મનોરંજનના કાર્યક્રમો યોજાશે નહીં.

પીએમ મોદીએ વ્યક્ત કર્યો ઘેરો શોક:

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોમવારે સવારે વેટિકન સિટીમાં થયેલી મૃત્યુની જાહેરાત બાદ શોક સંદેશ પાઠવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું અવસાન ઊંડો આઘાત છે. દુઃખની આ ઘડીમાં હું વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસને તેમની કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમત માટે સમગ્ર વિશ્વમાં હંમેશા આદર પામશે તેમ જણાવ્યું. તેમણે કહ્યું કે પોપ ફ્રાન્સિસે હંમેશા ભગવાન ખ્રિસ્તને પોતાની જાતને સમર્પિત કરી અને ખૂબ જ નિષ્ઠાથી ગરીબો અને પછાત લોકોની સેવા કરી. પીડામાંથી પસાર થઈ રહેલા લોકો માટે તેઓ આશાનું કિરણ હતા.

પીએમ મોદીએ પોપ ફ્રાન્સિસ સાથેની પોતાની મુલાકાતોને પણ પ્રેમથી યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા ચાર વર્ષમાં પોપ ફ્રાન્સિસને બે વાર મળ્યા હતા અને સર્વસમાવેશક અને સર્વગ્રાહી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી તેઓ ખૂબ જ પ્રેરિત થયા હતા. પીએમ મોદીએ ખાસ કરીને પોપ ફ્રાન્સિસનો ભારતીયો પ્રત્યેનો પ્રેમ હંમેશા યાદ રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે પોપના આત્માને ભગવાન પાસે શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.