India-America Yudh Abhyas 2022: ભારત-અમેરિકા સૈન્ય વચ્ચે ઉત્તરાખંડમાં નિયંત્રણ રેખા (LAC) પાસે ચાલી રહેલા યુદ્ધાભ્યાસને લઈને ચીને કરેલા વિરોધનો ભારતના વિદેશ મંત્રાલયે સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ભારત કોની સાથે સૈન્ય અભ્યાસ કરશે કે કોની સાથે નહીં તે તેનો પોતાની બાબત છે. બાગચીએ આક્રમક જવાબ આપતા ડ્રેગનને રોકડું પરખાવતા કહ્યું હતું કે, ચીન પોતે જ પોતાના કરારનું ઉલ્લંઘન કરતુ આવ્યું છે.


અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, અમેરિકા સાથે અમારા સંબંધો છે જેને લઈને કોઈ વીટો ન કરી શકે. ચીને કહ્યું હતું કે, તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત-અમેરિકાના સંયુક્ત સૈન્ય અભ્યાસનો વિરોધ કરે છે અને તે નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે હસ્તાક્ષર કરાયેલ બે સરહદ કરારની ભાવનાનું ઉલ્લંઘન કરે છે.


ચીનના વિદેશ મંત્રાલયે શું કહ્યું?


બેઇજિંગમાં મીડિયા સાથે વાત કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, ચીન-ભારત સરહદ પર LAC નજીક ભારત અને અમેરિકા વચ્ચે થયેલો સંયુક્ત સૈન્ય અભ્યાસ 1993 અને 1996માં ચીન અને ભારત વચ્ચે થયેલા કરારની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. આ સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, તે ચીન અને ભારત વચ્ચેના પરસ્પર વિશ્વાસને પૂર્ણ નથી કરતું.


હેતુ શું છે?


LACથી લગભગ 100 કિલોમીટર દૂર ઉત્તરાખંડમાં ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસ 'યુદ્ધ અભ્યાસ' ચાલી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય શાંતિ સ્થાપના અને રાહત કાર્યોમાં બંને સેનાઓ વચ્ચે પારસ્પારિકતા વધારવા અને કુશળતાનો તાગ મેળવવાનો છે. લગભગ બે અઠવાડિયા સુધી ચાલનારી આ કવાયત તાજેતરમાં શરૂ થઈ છે.


યાદગાર દિવસ


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, આજે આપણી G-20 અધ્યક્ષતાનો પદનો પહેલો દિવસ છે. તેને ઉજવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક તો થઈ ચૂકી છે. અમારી પાસે એક વિશેષ યુનિવર્સિટી કનેક્ટ ઇવેન્ટ હતી જેણે દેશભરની 75 યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને એકસાથે જોડી શકી હતી. તેણે કહ્યું હતું કે, આ એક યાદગાર દિવસ છે. આજે આપણે ઔપચારિક રીતે G20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. અમારી અધ્યક્ષતામાં અમે G-20ને સાર્વજનિક રૂપે લોકોને એકબીજાની નજીક લાવશે અને તેને સાચા અર્થમાં જનતાનું G-20 બનાવવાનો પ્રયાસ કરીશું.