President Droupadi Murmu: દ્રૌપદી મુર્મૂએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ લીધા છે. CJI NV રમન્નાએ તેમને પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ દ્રૌપદી મુર્મુએ ભાષણ આપ્યું હતું.


રાષ્ટ્રપતિ મુર્મૂના ભાષણના મુ્ખ્ય અંશ 



  • દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કહ્યું, 'હું પણ દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા માટે આપણે આ અમૃતકાળમાં ઝડપી ગતિએ કામ કરવાનું છે. આ 25 વર્ષોમાં, અમૃતકાળની પ્રાપ્તિનો માર્ગ બે પાટા પર આગળ વધશે - દરેકનો પ્રયાસ અને દરેકની ફરજ.

  • રાષ્ટ્રપતિએ કહ્યું, હું દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું, જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. હું આદિવાસી સમાજમાંથી આવું છું અને મને વોર્ડ કાઉન્સિલરમાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે. લોકશાહીની માતા ભારતની આ મહાનતા છે.

  • ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, દૂરના આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે એ આપણી લોકશાહીની શક્તિ છે. રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે.

  • દ્રૌપદી મુર્મુએ ભાષણમાં આગળ કહ્યું, '26 જુલાઈ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું દેશની સેનાઓને અને દેશના તમામ નાગરિકોને કારગિલ વિજય દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.’

  •   રાષ્ટ્રપતિએ કહ્યું, મારી ચૂંટણી એ વાતનો પુરાવો છે કે ભારતમાં ગરીબો સપના જોઈ શકે છે અને તેને પૂરા કરી શકે છે. મારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત છે, જેઓ વિકાસના લાભોથી દૂર છે, તે ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે.

  • મારી આ ચૂંટણીમાં દેશના ગરીબોના આશીર્વાદ, દેશની કરોડો મહિલાઓ અને દીકરીઓના સપના અને સંભાવનાઓની ઝલક સામેલ છે. આ ચૂંટણીમાં ભારતના આજના યુવાનોની જુની ઝંઝટમાંથી બહાર નીકળીને નવા માર્ગો પર ચાલવાની હિંમત પણ સામેલ છે.

  • આજે હું આવા પ્રગતિશીલ ભારતનું નેતૃત્વ કરવા માટે ગર્વ અનુભવું છું. આજે હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને ભારતના યુવાનો અને ભારતની મહિલાઓને ખાતરી આપું છું કે આ પદ પર કામ કરતી વખતે, તેમના હિત મારા માટે સર્વોપરી રહેશે.

  • સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું. તેમણે કહ્યું કે, સંથાલ ક્રાંતિ, પાઈકા ક્રાંતિથી લઈને કોલ ક્રાંતિ અને ભીલ ક્રાંતિ સુધી આદિવાસીઓનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન વધુ મજબૂત બન્યું. અમે સામાજિક ઉત્થાન અને દેશભક્તિ માટે 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાજીના બલિદાનથી પ્રેરિત થયા છીએ.