ભારતીય સેનાનું 'ઓપરેશન સિંદૂર' સતત ચાલી રહ્યું છે. 7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરીને લશ્કર, જૈશ અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી ભારતીય સેનાએ હવે સરહદ નજીક સ્થિત આતંકવાદી લોન્ચ પેડનો નાશ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવાનો એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોના બ્રેકગ્રાઉન્ડમાં 'કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગયે જા...’ ગીત વાગી રહ્યું છે અને ભારતીય સૈનિકો ભારે તોપમારોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાઓને એક પછી એક નેસ્તનાબૂદ કરી રહ્યા છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો. 08 અને 09 મે 2025ની રાત્રે જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણનું કેન્દ્ર રહ્યા છે. ભારતીય સેનાની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીથી આતંકવાદી માળખા અને ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો છે.
શનિવારે સવારે સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ એક વીડિયો પણ બતાવ્યો જેમાં જોઈ શકાય છે કે ભારતીય સૈનિકો કેવી રીતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની કબરો ખોદી રહ્યા છે. આ વીડિયોમાં ભારતીય સેના પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ કરી રહી છે. વીડિયોમાં ભારતીય સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લક્ષ્યોને સચોટ રીતે નિશાન બનાવતા જોઈ શકાય છે. બીજી તરફ પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડનો નાશ થતો જોવા મળી રહ્યો છે.