Passport name change rules: જો તમે તમારા પાસપોર્ટમાં નામ બદલવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા અને સારા સમાચાર છે. ભારત સરકારે પાસપોર્ટમાં નામ બદલવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે તેના નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે. હવેથી પાસપોર્ટમાં નામ બદલવા માટે 'ગેઝેટ ઓફ ઈન્ડિયા' (કેન્દ્ર સરકારના ગેઝેટ) ને પણ એક માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ વિદેશ મંત્રાલયે અગાઉના નિયમોમાં રહેલી એક મોટી ભૂલ સુધારીને આ નવો આદેશ બહાર પાડ્યો છે. આ નિર્ણયથી અરજદારોની હેરાનગતિ ઘટશે અને તમામ પાસપોર્ટ ઓફિસોની કામગીરીમાં એકરૂપતા આવશે.

Continues below advertisement

આ નિયમ બદલવા પાછળનું મુખ્ય કારણ દિલ્હી હાઈકોર્ટનો એક ચુકાદો છે. 1 એપ્રિલ, 2026 ના રોજ 'રાજ ત્રેહન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા' ના કેસમાં સુનાવણી કરતા કોર્ટે વિદેશ મંત્રાલયને જૂના નિયમો અંગે વિચાર કરવા જણાવ્યું હતું. કોર્ટે એ બાબત પર ધ્યાન દોર્યું હતું કે માન્ય દસ્તાવેજોના લિસ્ટમાંથી કેન્દ્રીય ગેઝેટને કેમ બાકાત રાખવામાં આવ્યું છે. કોર્ટના આ આદેશ બાદ મંત્રાલયે પોતાની માર્ગદર્શિકાની સમીક્ષા કરી અને સ્વીકાર્યું કે વર્ષ 2020 માં બનેલા નિયમોમાં અજાણતા જ 'ગેઝેટ ઓફ ઈન્ડિયા' નો ઉલ્લેખ રહી ગયો હતો.

Continues below advertisement

હવે અધિકારીઓએ આ ભૂલ સુધારીને ઔપચારિક રીતે નિયમો અપડેટ કર્યા છે. હવેથી કેન્દ્રીય ગેઝેટને પણ રાજ્ય સરકારના ગેઝેટ અને અન્ય દસ્તાવેજો જેટલું જ માન્ય ગણવામાં આવશે.

તો હવે સવાલ એ થાય કે આ નવા નિયમથી સામાન્ય અરજદારોને શું ફાયદો થશે? નવા સુધારા મુજબ, હવે પાસપોર્ટમાં પોતાનું નામ બદલવા માંગતી કોઈ પણ વ્યક્તિ પુરાવા તરીકે ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ રજૂ કરી શકશે: કાં તો 2 સ્થાનિક અખબારોમાં (ન્યૂઝપેપર) નામ બદલ્યાની જાહેરાતનું કટિંગ, કાં તો રાજ્ય સરકારના ગેઝેટની કોપી, અથવા તો 'ગેઝેટ ઓફ ઈન્ડિયા' (કેન્દ્રીય ગેઝેટ) માં છપાયેલી સૂચના. 2020 ના નિયમોની બાકીની તમામ શરતો એમને એમ જ રાખવામાં આવી છે.

સરકારે દેશ અને વિદેશમાં આવેલી તમામ પાસપોર્ટ જારી કરનારી ઓફિસોને કડક સૂચના આપી છે કે તેઓ આ અપડેટ થયેલા નિયમનો સમાન રીતે અમલ કરે. આ નિર્ણયથી ખાસ કરીને એવા લોકોને મોટી રાહત મળશે જેઓ નામ બદલવા માટે કેન્દ્ર સરકારના ગેઝેટ પર નિર્ભર હતા. હવે કોર્ટના આદેશ અને નવા નિયમોને કારણે દસ્તાવેજોને લગતી તેમની તમામ અડચણો દૂર થઈ ગઈ છે.