અમેરિકી સેનેટર લિંડસે ગ્રહામે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપી છે. તેનાથી ભારત, ચીન અને બ્રાઝિલ પર રશિયન તેલ ખરીદવા પર રોક લાગશે. અમેરિકી કોંગ્રેસની વેબસાઇટ અનુસાર, આ બિલનું નામ "સૈંક્શનિંગ ઓફ રશિયા એક્ટ 2025" છે. તેની ઘણી જોગવાઈઓમાંની એક એ છે કે જે દેશો જાણી જોઈને રશિયા પાસેથી યુરેનિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદે છે તેને યુએસમાં 500% ટેરિફનો સામનો કરવો પડી શકે છે. આ સંભાવનાને લઈ વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કૉન્ફરન્સમાં એક સવાલના જવાબમાં કહ્યું, "અમેરિકાના પ્રસ્તાવિત બિલ વિશે અમને જાણકારી છે, આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. જ્યાં સુધી ઉર્જા સ્ત્રોતોનો સંબંધ છે, તો તમે જાણો છો કે અમારો અભિગમ શું છે. અમારો અભિગમ વૈશ્વિક બજારની પરિસ્થિતિઓ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને 1.4 અબજ લોકોને સસ્તી ઊર્જા કેવી રીતે પૂરી પાડી શકીએ તે નક્કી કરવાનો છે. તેના પર જ અમે આપણી રણનીતિ નક્કી કરીએ છીએ.
આ પહેલા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત દ્વિપક્ષીય વેપાર કરાર માટે અમેરિકા સાથે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે. રણધીર જયસ્વાલે સાપ્તાહિક મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે. બંને સરકારો સંતુલિત, સારા અને પરસ્પર લાભદાયી વેપાર કરાર પર કામ કરી રહી છે.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પણ કહ્યું હતું કે ભારત પરસ્પર ટેરિફ ઘટાડવાના હેતુથી અમેરિકા સાથે પ્રારંભિક ફ્રેમવર્ક ડીલને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે.
પ્રધાનમંત્રી મોદી મારાથી ખુશ નથી - ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ પહેલા જ કહ્યું હતું કે રશિયાના તેલ ખરીદવા માટે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારાથી ખુશ નથી. ટ્રમ્પે કહ્યું હતું કે, "મારા તેમની સાથે ખૂબ સારા સંબંધો છે. તેઓ મારાથી ખુશ નથી કારણ કે તેમને ઘણા બધા ટેરિફ ચૂકવવો પડે છે. પરંતુ હવે તેઓએ રશિયા સાથે તેલ વેપારમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે."
ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જેમાં રશિયન તેલની ખરીદી પર 25 ટકા ટેરિફનો સમાવેશ થાય છે.