ભારત અને અમેરિકા વચ્ચે  એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપી શકે છે. આ સમાચાર 2 ફેબ્રુઆરી, 2026 ના રોજ સામે આવ્યા હતા, જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ સમાચાર શેર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા પછી આ સોદો થયો હતો અને તે તાત્કાલ પ્રભાવથી લાગુ થયો છે. 

ટ્રમ્પે ટેરિફ ઘટાડતા રશિયન તેલ ન ખરીદવાની સૂચના આપી

ટ્રમ્પે તેમની પોસ્ટમાં વિગતવાર જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતમાંથી આયાત થતા માલ પર પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. વધુમાં, રશિયન તેલની ખરીદી પર અગાઉ લાદવામાં આવેલ વધારાના 25 ટકા દંડ ટેરિફ પણ દૂર કરવામાં આવશે. આમ, કુલ ટેરિફ, જે અગાઉ લગભગ 50 ટકા સુધી પહોંચી ગયો હતો, તે હવે 18 ટકા કરવામાં આવશે. ટ્રમ્પનો દાવો છે કે ભારત હવે રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે અને તેના બદલે વેનેઝુએલા પાસેથી વધુ તેલ અને ઉર્જા ખરીદશે. તેમણે કહ્યું કે આનાથી રશિયા-યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત કરવામાં મદદ મળશે.

Continues below advertisement
Continues below advertisement

ટ્રમ્પે વધુમાં લખ્યું કે ભારત અમેરિકા પાસેથી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ ઉત્પાદનો, કોલસો અને અન્ય ચીજવસ્તુઓની 500 અરબ ડૉલરથી વધુની ખરીદી કરશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અમેરિકન ચીજવસ્તુઓ પરના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને શૂન્ય કરવા તરફ આગળ વધશે. ટ્રમ્પે મોદીને એક સારા મિત્ર ગણાવ્યા અને કહ્યું કે ભારત હવે ઉચ્ચ સ્તરે અમેરિકન ચીજવસ્તુઓ ખરીદશે.

PM મોદીએ ટ્રમ્પની જાહેરાત પર  શું જવાબ આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર તેનો જવાબ આપ્યો. તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો અને તેઓ ખુશ છે કે ભારતીય બનાવટના ઉત્પાદનો પર હવે 18 ટકાનો ઘટાડો ટેરિફ લાગુ થશે. પીએમ મોદીએ આ નોંધપાત્ર જાહેરાત માટે ભારતના 1.4 અબજ લોકો વતી ટ્રમ્પનો આભાર માન્યો.

તેમણે કહ્યું કે જ્યારે બે મુખ્ય અર્થતંત્રો અને વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરશે ત્યારે લોકોને ઘણો ફાયદો થશે અને પરસ્પર સહયોગ માટે નવી તકો ખુલશે. પીએમ મોદીએ ટ્રમ્પના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે તે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચેની ભાગીદારી અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે.

રશિયા પાસેથી તેલ ન ખરીદવાનો કોઈ ઉલ્લેખ નથી

જોકે, વડાપ્રધાન મોદીના નિવેદનમાં ફક્ત ટેરિફ ઘટાડાનો ઉલ્લેખ હતો. રશિયન તેલ બંધ કરવા,  500 અરબ ડૉલરની ખદીદી કે ટેરિફને શૂન્ય કરવા જેવી કોઈ વાતનો ઉલ્લેખ નહોતો. 

અમેરિકા તરફથી, વ્હાઇટ હાઉસના એક અધિકારીએ પુષ્ટિ આપી કે રશિયન તેલ પર દંડાત્મક ટેરિફ હટાવવામાં આવી રહ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ પણ આ સોદાનું સ્વાગત કર્યું, કહ્યું કે તે ઔદ્યોગિક સહયોગને વધુ ગાઢ બનાવશે અને મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીમાં સંયુક્ત પ્રોજેક્ટ્સને વેગ આપશે.

500 અરબ ડૉલરની ખરીદી કેમ મુશ્કેલ ?

અમેરિકા પાસેથી  500 અરબ ડૉલરની ખરીદી ભારત માટે મુશ્કેલ છે કારણ કે વર્તમાન વેપાર સ્તર ખૂબ નીચું છે. નાણાકીય વર્ષ 25 માં ભારતની યુએસ આયાત માત્ર 45.69  અરબ ડૉલર હતી અને બંને દેશો વચ્ચે કુલ વેપાર  132.2 અરબ ડૉલર હતો. તેથી, એક જ નાણાકીય વર્ષમાં  500 અરબ ડૉલર ખરીદી સ્પષ્ટ કે વ્યવહારુ લાગતી નથી.