ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. આ સંદર્ભમાં ટ્રેડ ડીલ માટે નિયુક્ત યુએસ રાજદૂતે ભારતમાં તમામ હિત્તધારકો સાથે મુલાકાત કરી જે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર મોટું અપડેટ
સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતની ટીમ યુએસમાં છે. તેઓ એ પ્રયાસ કરી રહ્યા છે કે શું અમે બંને પક્ષો માટે સમાધાન કરી શકીએ. સઘન ચર્ચાઓ ચાલી રહી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, "અમેરિકામાં ભારતની નિકાસ વધી રહી છે અને ચાલુ રહી શકે છે. 45% નિકાસ હજુ પણ ટેરિફ કવરેજની બહાર છે."
એક ભારતીય પ્રતિનિધિમંડળ યુએસની મુલાકાત લેશે
આ અઠવાડિયે, વાટાઘાટોને ઝડપી બનાવવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ માટે યુએસની મુલાકાત લેશે. ગયા મહિને, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ન્યૂયોર્ક કર્યું હતું, ત્યારબાદ બંને પક્ષો પરસ્પર ફાયદાકારક વેપાર કરાર તરફ વાટાઘાટોને વેગ આપવા સંમત થયા હતા.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GTRI) ના એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે વોશિંગ્ટન ભારત સાથે દ્વિપક્ષીય વાટાઘાટોને ઝડપી બનાવવા આતુર છે. રિપોર્ટ અનુસાર, ચીન તરફથી રેઅર અર્થ મિનરલ્સ પર નિયંત્રણ અને અમેરિકા-ચીન ટ્રેડ વોરના વધવાથી વોશિંગ્ટનને તેના સાથી દેશો સાથેની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.
વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ ગુરુવારે (16 ઓક્ટોબર, 2025) ના રોજ વેપાર વાટાઘાટો માટે અમેરિકામાં ભારતીય પ્રતિનિધિમંડળ સાથે જોડાશે. આ બેઠક દરમિયાન, ભારતે અમેરિકાથી ઊર્જા આયાત વધારવાની યોજનાનો સંકેત આપ્યો છે. છેલ્લા સાતથી આઠ વર્ષમાં અમેરિકાથી ઊર્જા ખરીદી, મુખ્યત્વે ક્રૂડ તેલ, 25 અબજ ડોલરથી ઘટીને આશરે 12-13 અબજ ડોલર થઈ ગઈ છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો સુધરી રહ્યા છે. અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશ વચ્ચે ટ્રેડ ડીલ અટકી હતી. પરંતુ હવે તેમાં પ્રગતિ જોવા મળી રહી છે. હાલમાં જ અમેરિકાનું પ્રતિનિધિમંડળ દિલ્હી આવ્યું હતું. ભારતીય દળ પણ આ સપ્તાહે અમેરિકા જઈ રહ્યું છે. જે સંકેત આપે છે કે, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં વેપાર કરાર થશે.