India vs Pakistan military comparison 2025: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારતે આ હુમલાના જવાબમાં કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે અને ૧૯૬૦ની સિંધુ જળ સંધિને સમાપ્ત કરવા તેમજ પાકિસ્તાની હાઈ કમિશનના અધિકારીઓને પરત મોકલવા જેવા મોટા નિર્ણયો લીધા છે. આ બધાની વચ્ચે, બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહીની અટકળો પણ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં, કયા દેશની સૈન્ય શક્તિ વધુ પ્રબળ છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
ગ્લોબલ ફાયરપાવર ૨૦૨૫ના રિપોર્ટ અનુસાર, વિશ્વના ૧૪૫ દેશોની સૈન્ય શક્તિની યાદીમાં ભારત ચોથા સ્થાને છે, જ્યારે પાકિસ્તાન ૧૨મા સ્થાને છે. આ રેન્કિંગ અને આંકડાઓ બંને દેશોની સૈન્ય ક્ષમતા વચ્ચેના મોટા તફાવતને સ્પષ્ટપણે દર્શાવે છે.
જમીની તાકાત: ભારતીય સેનાની પ્રબળતા
ભારતીય સેનાની વાત કરીએ તો તેની પાસે ૧૪.૪૪ લાખ સક્રિય સૈનિકો છે, જ્યારે ૧૧.૫૫ લાખ રિઝર્વ ફોર્સ અને ૨૫.૨૭ લાખ અર્ધલશ્કરી દળો પણ ઉપલબ્ધ છે. ભારતીય સેનાની ફાયરપાવરમાં આધુનિક અને સ્વદેશી ટેકનોલોજીનું અદ્ભુત મિશ્રણ છે. ભારત પાસે કુલ ૪૨૦૧ ટેન્ક છે. જેમાં સ્વદેશી અર્જુન ટેંક અને રશિયાથી મેળવેલી અપગ્રેડેડ T-90 ભીષ્મ જેવી ખતરનાક ટેન્ક ભારતને પાકિસ્તાન સામે અજેય બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ભારતીય સેના પાસે પિનાકા રોકેટ સિસ્ટમ, બ્રહ્મોસ મિસાઈલ, બોફોર્સ અને હોવિત્ઝર ગન જેવા શસ્ત્રો છે જે દુશ્મનને સરળતાથી પરાજિત કરી શકે છે.
બીજી તરફ, પાકિસ્તાનની સેના પાસે ૬.૫૪ લાખ સક્રિય સૈનિકો છે. પાકિસ્તાન પાસે કુલ ૩૭૪૨ ટેન્ક હોવાનો દાવો થાય છે, પરંતુ ગ્લોબલ ફાયરપાવરના આંકડા મુજબ તેની પાસે ૨૬૨૭ ટેન્ક છે જે ભારતની સંખ્યા કરતાં લગભગ અડધી છે. પાકિસ્તાન પાસે ૫૦૫૨૩ બખ્તરબંધ વાહનો, ૭૫૨ સ્વચાલિત આર્ટિલરી યુનિટ અને ૬૯૨ રોકેટ લોન્ચર પણ છે. જોકે, ટેન્ક અને સૈનિકોની સંખ્યા તથા આધુનિક શસ્ત્રોની ગુણવત્તામાં ભારતનું પલડું ભારે છે.
વાયુસેના: આકાશમાં ભારતનું વર્ચસ્વ
ભારતીય વાયુસેના પાસે કુલ ૨૨૨૯ એરક્રાફ્ટ છે, જેમાં ૬૦૦ ફાઇટર એરક્રાફ્ટ, ૮૩૧ સપોર્ટ એરક્રાફ્ટ, ૮૯૯ હેલિકોપ્ટર અને ૫૦+ યુએવી (ડ્રોન) નો સમાવેશ થાય છે. ભારત પાસે રાફેલ ફાઇટર જેટ, સુખોઈ Su-30MKI, મિરાજ-૨૦૦૦, મિગ-૨૯ જેવા અત્યાધુનિક ફાઇટર પ્લેન છે. મિસાઈલ સિસ્ટમમાં બ્રહ્મોસ, અસ્ત્ર, રુદ્રમ અને આકાશ જેવી મિસાઈલોથી ભારતીય વાયુસેના સજ્જ છે.
પાકિસ્તાન વાયુસેના પાસે કુલ ૧૩૯૯ એરક્રાફ્ટ છે, જેમાં ૩૨૮ ફાઈટર જેટ્સ, ૬૪ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, ૫૬૫ ટ્રેનર એરક્રાફ્ટ અને ૩૭૩ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. તેની પાસે ૫૭ એટેક હેલિકોપ્ટર અને ૪ એરબોર્ન ટેન્કર પણ છે. અહીં પણ ભારતીય વાયુસેના માત્ર સંખ્યામાં જ નહીં, પરંતુ લડાયક ક્ષમતા, રેન્જ અને ટેકનોલોજીમાં પાકિસ્તાન કરતાં ઘણી આગળ છે.
નૌકાદળ: ભારતની દરિયાઈ સરહદોનું મજબૂત રક્ષણ
ભારતીય નૌકાદળ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેમાં આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. બીબીસીના રિપોર્ટ મુજબ ભારત પાસે ૧૫૦ યુદ્ધ જહાજ છે. તેમાં આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય જેવા એરક્રાફ્ટ કેરિયર્સ અને ન્યુક્લિયર સબમરીનનો પણ સમાવેશ થાય છે, જેમાં ધનુષ અને કે-૧૫ જેવી મિસાઈલોનો ઉપયોગ કરી શકાય છે. ભારતીય નૌકાદળમાં કુલ ૧,૪૨,૨૫૨ સક્રિય સૈનિકો છે.
પાકિસ્તાન નેવી પાસે ૧૧૪ જહાજ, ૮ સબમરીન અને ૯ ફ્રિગેટ યુદ્ધ જહાજ છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને તેની નૌકાદળ શક્તિમાં વધારો કર્યો હોવા છતાં, ભારતની નૌકાદળ રેન્જ, નેટવર્કિંગ, એરક્રાફ્ટ કેરિયર્સ અને પરમાણુ ક્ષમતામાં પાકિસ્તાન કરતાં ઘણી આગળ છે.
નિષ્કર્ષ: સૈન્ય ક્ષમતામાં ભારતનું પલડું સ્પષ્ટપણે ભારે
જ્યારે સૈન્ય ક્ષમતા, તકનીકી શ્રેષ્ઠતા અને વ્યૂહાત્મક સજ્જતાની વાત આવે છે, ત્યારે ભારત પાકિસ્તાન કરતાં ઘણું આગળ છે. ભારતનું સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર વિશાળ નથી, પરંતુ તે સતત આત્મનિર્ભરતા અને ઉચ્ચ તકનીકી અપગ્રેડેશન તરફ પણ આગળ વધી રહ્યું છે. ભારતના વિશાળ અર્ધલશ્કરી દળો, મજબૂત સેટેલાઇટ નેટવર્ક, આધુનિક ડ્રોન ટેક્નોલોજી અને મલ્ટિ-ડોમેન યુદ્ધ વ્યૂહરચના તેને વૈશ્વિક સૈન્ય નકશામાં મોખરે મૂકી છે. બીજી તરફ, પાકિસ્તાન તેના મર્યાદિત સંસાધનો અને સહાય-આધારિત લશ્કરી નીતિને કારણે ધીમે ધીમે પાછળ પડી રહ્યું છે. ભારત સંરક્ષણ ઉત્પાદન, સાયબર યુદ્ધ અને અવકાશ આધારિત લશ્કરી પ્રણાલીઓમાં સતત રોકાણ કરી રહ્યું છે, જે તેને ભવિષ્યના યુદ્ધો માટે પણ સજ્જ બનાવે છે.